સ્થાનિક રહીશો દ્વારા ફરી ચીફ ઓફિસર અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી
પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે યાત્રિક ભવનની ગલીમાં બ્રાહ્મણવાસમાં આવેલા બે ભયજનક મકાનો જર્જરિત હાલતમાં હોઈ પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ મકાનો ઉતરાવી લેવામાં આવે તેવી લેખિત રજૂઆત બ્રાહ્મણવાસના રહીશો દ્વારા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને તા.૧૩. ૦૯. ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. જેથી પાલિકા તંત્ર દ્વારા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સુરત અને મુંબઇ મુકામે રહેતા મકાન માલિકોનો ફોન ઉપર સંપર્ક કરી તેમને પાલનપુર બોલાવીને મકાન ઉતારવાની કડક સૂચના આપતા તેઓએ મકાન ઉતારવાનું કામ ચાલુ તો કર્યું હતું. પરંતુ તેઓ ઉપરનો માળ ઉતારીને બાકીનું કામ પડતું મૂકીને સુરત તથા મુંબઇ જવા રવાના થઈ ગયા હતા.
જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે અગાઉ આ મહોલ્લાના રહીશોએ ફરીથી કલેકટર અને ચીફ ઓફિસરને તા. ૧.૧૦.૨૦૨૧ ના રોજ લેખિત રજુઆત કરી આ બંને ભયજનક મકાનો ઉતરાવી લેવા બંને મકાન માલિકોને કડક સૂચના આપવામાં આવે તેવી માંગ કરી છે.