— ભાજપના નેતાઓએ ઘીના ઠામમાં ઘી ઢોળી દીધું :
— ભાજપાના દંડકનો પનો ટૂંકો પડયો: ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતાની માંગ સંતોષાઈ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં બે ડીપી રોડનો વિવાદ સર્જાયો હતો. પાલીકાની ટાઉન પ્લાનીંગ કમિટીની ૬૯ દિવસ પહેલાં મળેલી બેઠક બાદ આખરે ઠરાવ લખાયા હતા. જેમાં વિવાદિત બન્ને ડીપી રોડ રદ કરવાની ભાજપના દંડક સહિત અરજદારોની માંગણી ફગાવી અરજી નામંજુર કરવામાં આવી હતી. અંતે ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતાની માંગણી સ્વિકારાઈ હતી અને અરજદારોનો પનો ટૂંકો પડયો હોવાનું જણાયું હતું. ટીપી સ્કીમ ૬ અને ૭ની મોજણીની કામગીરી મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો.
શહેરના નાગલપુર વિસ્તારના રેવન્યૂ સર્વે નં.૩૧૯ માંથી પસાર થતાં ૧૨ મી.ના ડીપી રોડને રદ કરાવવા અરજદાર ચાયના ગાર્ડન પાર્ટી પ્લોટના માલિક જયંતિલાલ પટેલ તેમજ પાલિકાના દંડક વિનોદભાઈ શીવરામ પ્રજાપતિએ રેવન્યૂ સર્વે નં.૩૭૯માંથી પસાર થતાં ૧૮ મી.ના ડીપી રોડને રદ કરાવવા માટે નગરપાલિકાની ટીપી શાખામાં વાંધા અરજી આપી હતી. જેની સામે પાલિકાના દંડક કિર્તીભાઈ પટેલ અને ઉપપ્રમુખ કાનજી દેસાઈએ બન્ને ડીપી રોડને રદ નહીં કરવા માટે વાંધો ઉઠાવી અરજી આપી હતી. દરમિયાનમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કનુ પટેલે બે માસ અગાઉ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયેલાં નિર્ણયો અંગે બુધવારે લખાયેલાં ઠરાવ ઉપર સહી કરીને વિવાદીત બનેલાં રેવન્યૂ સર્વે નં. ૩૧૯ અને ૩૭૯ એમ બન્ને ડીપી રોડને રદ કરવા માટેની અરજીઓને નામંજૂર કરી હતી.
જેના કારણે ભાજપા શાસિત મહેસાણા નગરપાલિકામાં ડીપી રોડનો વિવાદ વકરતો અટક્યો હતો અને નેતાઓએ ઘીના ઠામમાં ઘી ઢોળી દઈને પોતાનું ધાર્યુ પરિણામ પાર પાડયું હોવાની ચર્ચાએ જોર પકડયું હતુ.ઉપરાંત, શહેરના હાઈરાઈઝ બિલ્ડીંગમાં બાંધકામ વપરાશ પ્રમાણપત્ર લીધા ન હોય તેવા બિલ્ડીંગ અંગે પ્રાદેશિક કમિશનર, ગાંધીનગરની કચેરીમાંથી પત્ર આવ્યા બાદ ટીપી કમિટીમાં રજૂ કરવાનો ઠરાવ કરાયો હતો. ટીપી સ્કીમ નં. ૨ થી નાગલપુર હાઈ વે પર આવેલાં રેવન્યૂ સર્વેને જોડતો ડીપી રોડ અંગે આવેલી ખેડૂતોની અરજી સંદર્ભે સદર સર્વે નંબરો વિના વળતરે નગરપાલિકાને સુપ્રત કરાયા બાદ ડીપી રોડ ખુલ્લો કરવાનું કામ મંજૂર કરાયું હતુ. આ ઉપરાંત, રહેણાંક વિસ્તારની ત્રણ પૈકી વાણિજ્ય અરજીને નામંજૂર તથા રહેણાંક અને હોલની બન્ને અરજીને મંજૂર કરાઈ હતી.
— ટી.પી.નં.6 અને 7ની મોજણી મોકૂફ :
મહેસાણા શહેરના સોમનાથ રોડ થઈને રામોસણા ચોકડી થઈ દૂધસાગર ડેરી સુધીના ખાડિયા વિસ્તારને આવરી લેતાં ટી.પી.સ્કીમ નં. ૬ અને ૭ ની મોજણી કરવા માટે ટીપી બેઠકમાં દરખાસ્ત થઈ હતી. જેમાં મે.ડીઝાઈન પોઈન્ટ કન્સલ્ટન્ટ નામની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવનાર હતું. જેમાં એજન્સીએ બન્ને સ્કીમમાં ૮૦ ટકાથી વધારે બાંધકામો થયેલાં હોવાથી ડીઝાઈન-યોજના બનાવી શકાય તેમ નહીં હોવાનો રિપોર્ટ આપતાં સિટી સર્વે કચેરીમાં રૃ.૫.૮૫ લાખ ફી ભરવાનું કામ સર્વાનુમતે નામંજૂર કરાયું હતુ.
— ટીપી કમિટીની બેઠકના ઠરાવ લખતાં 69 દિવસ લાગ્યા :
મહેસાણા પાલિકાની ટીપી કમિટીની બેઠક તા.૧૩/૧/૨૦૨૨ ના રોજ યોજાઈ હતી. જેમાં બન્ને ડીપી રોડ અને ટીપી સ્કીમ નં. ૬ અને ૭ ની મોજણી અંગેનો એજન્ડા રજૂ કરાયો હતો. ડીપી રોડનો વિવાદ થતાં આજ દિન સુધી ઠરાવ લખાયા ન હતા. મંગળવારે ભાજપાના નેતાઓની સંકલન બેઠકમાં નિર્ણય લેવાયા બાદ ટીપી કમિટીના તમામ ઠરાવ બુધવારે લખાયા હતા અને એજન્ડાના કામોના નિર્ણય કરાયા હતા. જેમાં ટીપી કમિટીને ઠરાવ લખતાં ૬૯ દિવસ લાગ્યાં હતા.