દિલ્હી સરકારે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની મદદ માગી
નવીદિલ્હી તા.7 : દિલ્હીને વાયુ પ્રદુષણમાંથી રાહત અપાવવા માટે દિલ્હી સરકારે હવે કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અને આ માટે સરકારે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો છે અને તેના માટે કરાર થશે. બાદમાં વૈજ્ઞાનિકોની ટીમ કૃત્રિમ વરસાદ વરસાવી દિલ્હીને જીવલેણ પ્રદુષિત હવાથી મુકત કરશે.
આઈઆઈટી કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રો. મણીંદ્ર અગ્રવાલની ટીમે કલાઉડ સીડીંગ ટેકનીકથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં સફળતા મેળવી છે. ટીમની આ સફળતા બાદ કેન્દ્ર સરકારે આઈઆઈટી કાનપુરને પુરા દેશમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની મંજુરી આપી છે. જોકે કૃત્રિમ વરસાદ માટે વાદળોનું હોવું જરૂરી છે.
વરસાદ બાદ પ્રદુષણનું સ્તર ઝડપથી ઘટશે. અને દિલ્હીવાસીઓને રાહત મળશે. ડો.મણીંદ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે સિલ્વર આયોડાઈડ મીઠુ (નિમક) જેવા અનેક કેમીકલ ભેળવીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. વિમાનની વિંગ (પાંખ)માં એક સાધન લગાવવામાં આવે છે, જેના દ્વારા વાદળો વચ્ચે જઈને કેમીકલના વાદળમાં છંટકાવથી કૃત્રિમ વરસાદ પડે છે.