ગરવી તાકાત અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર નેતા અને આગેવાનો દ્વારા પાટીદાર આંદોલન સમયે કરવામાં આવેલા કેસ પરત ખેંચવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે
તમને જણાવી દઈએ કે, 20 માર્ચ 2017 ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરીયાદ નોંધવાઈ હતી. જે ફરિયાદ સબ કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી.
— પાટીદારો સામેના 10 કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો હતો :
નોંધનીય છે કે, સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પાટીદાર આંદોલન સમયે જે કેસ પાટીદારો ઉપર લગાવવામાં આવ્યા હતા તે તમામ કેસ પાછા ખેંચવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના ટોટલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જે તે સમયે કૃષ્ણનગર, રામોલ, બાપુનગર, નરોડા અને અન્ય જગ્યાઓ પર કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી અગાઉ પણ ત્રણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જે મેટ્રો કોર્ટમાં હતા અને વધુ સાત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે કુલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને અન્ય ત્રણ કેસ છે. ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.