ગરવી તાકાત ખેરાલુ : મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે ભાઈના ઘરે બાબરીના પ્રસંગમાં જવાના મુદ્દે બોલાચાલી બાદ ભત્રીજા સહિત ચાર શખ્સોએ ધારીયા અને લાકડીઓ સાથે દંપતિ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે ખેરાલુ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે રહેતા મેરાજી રવાજી ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે ઠાકોર શૈલેશ મેઘાજી, ઠાકોર ગોવિંદ મંગાજી, ઠાકોર મંગાજી સદાજી અને ઠાકોર નરસંગ સદાજીનું નામ આપ્યું છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ભાઈ મેઘાજી રવાજીના દીકરા શૈલેષના દીકરાનો બાબારીનો પ્રસંગ હોઈ ફરિયાદી અને તેના ભાઈ વચ્ચે સંબંધ ન હોવાથી તેમને આમંત્રણ આપ્યું નહોતું.
આથી ફરિયાદીએ ભૈરવદાદાના મંદિર પાસે મંગાજી અને નરસંગજીને મને મારા ભાઇએ પ્રસંગમાં બોલાવ્યો નથી અને તમે કુટુંબના માણસો કેમ બાબારીમાં ગયા છો તેમ કહેતા આરોપીઓએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી. એ દરમિયાન તેમનું ઉપરાણું લઇ શૈલેશજી અને ગોવિંદજી પણ લાકડીઓ તથા ધારીયું લઈને આવી જતાં તેમણે ફરિયાદી પર હુમલો કરી માર માર્યો હતો. એ સમયે ફરિયાદીની પત્ની છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ લાકડીઓથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.