ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ચીનના અર્થતંત્રને તો જોખમમાં મૂકયૂં જ છે આપણા દેશના કપડા ઉદ્યોગને પણ સંકટમાં મૂકી દીધો છે. ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસથી વિશ્ર્વમાં ૫૫૦ લોકોના મોત થયા છે જેમાના મોટાભાગના ચીનના છે. ચીનના આ વાયરસને લીધે ભારત ચીન વચ્ચેના ખરીદ વેચાણ કરનારાઓને પણ માઠી અસર થઈ છે. સામાન્ય રીતે ચીનના ખરીદદારો પોતાની રૂ,યાર્ન કાપડ કે કપડાની વાર્ષિક જરૂરીયાત માટે દર વર્ષે જાન્યુઆરી માસમા મુલાકાત લેતા હોય છે, પણ આ વખતે ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસના કારણે ચીનના ખરીદદારો ભારત આવ્યા નથી કે પૂછપરછ પણ કરી નથી.

દક્ષિણ ભારતના મિલ એસો.ના એક અધિકારીએ જણાવ્યું હતુ કે આ વાયરસનો કહેર ચાલુ રહેશે તો આપણા રૂની નિકાસને માઠી અસર પડી શકે છે. ભારતનાં કેટલાય નિકાસકારો ચીન ખાતે વિસ્કોસ તથા પોલીસ્ટર યાર્નની નિકાસ પણ કરે છે. તિરપૂર એકસપોર્ટર એસો.ના એક પ્રવકતાએ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ અંગે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતુ કે જો આ વાયરસનો કહેર હજુ પણ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ભારતના રેડીમેઈડ વસ્ત્ર ઉદ્યોગને રેડીમેઈડ વસ્ત્રોની એસેસરીઝ જેવી કે પ્લાસ્ટીક બટન, ધાતુના બટન, ચેન, હેન્ગર કે સોય વગેરેની જરૂરીયાત માટે ચીનના બદલે ચીન સિવાયના દેશો પર નજર દોડાવવી પડશે. ભારત અને અન્ય દેશો માટે ચીનનો આ માલ ૪૦ ટકા જેટલો સસ્તો હોય છે. જો કે આ વાયરસના કારણે અન્ય દેશો તરફ નજર દોડાવવી પડશે તો આ માલની કિંમત ૩ થી ૫ ટકા વધી જશે દેશના નિકાસકારોની ટોચની સંસ્થા ટેક્ષ પ્રોસીલના એક પ્રવકતાએ જણાવ્યું હતુ કે હાલના સમયે તેની ચિંતા બહુ ઓછી છે. પણ જો આ વાયરસનો કહેર ચાલુ રહેશે તો ભારતથી થતા રૂ અને યાર્નની નિકાસને અસર થશે.

સામાન્ય રીતે ભારત દર મહિને ૯૦૦ લાખ કિલો યાર્નની નિકાસ કરે છે અને ચીન તેમાંથી માત્ર ૩૦ ટકા જ આયાત કરે છે. બાકીનો માલ અન્ય દેશોમાં જાય છે. યાર્નની એક કિલોની કિંમત રૂ.૨૨૦ પ્રતિકિલો હોય છે તેથી કરોડો રૂપિયાની અર્થ વ્યવસ્થાને અસર થશે. તિરપૂર એક્ષપોર્ટર એસો.ના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે યુરોપીયન ખરીદનારા ભારત, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાંથી ખરીદી માટે જાન્યુઆરી માસમાં હોગકોંગની મુલાકાત લેતા હોય છે પણ હાલ ચીનમાં ફાટી નીકળેલો આ વાયરસના ભયથી હોંગકોંગની મુલાકાત લીધી નથી અને માત્ર વિડીયો કોન્ફરન્સીંગથી પૂછપરછ કરી રહ્યા છે.

જેના લીધે ભારતના નિકાસકારોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. સીમાના પ્રવકતા કહે છેકે ચીને વાયરસના ભયથી વધુ એક સપ્તાહ કે દસ દિવસ સુધી ભારત ચીનના નિકાસકારો વચ્ચેની વાટાઘાટો મુલત્વી રાખી છે. જો વાયરસનો ભય ચાલુ રહેશે તો આપણી નિકાસને મોટી અસર થશે.