રાજકોટ-સાબરકાંઠામાં ઉકળતા ચરૂ વચ્ચે મુખ્યમંત્રી આજે દિલ્હીમાં છે
રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની માંગ તિવ્ર છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 01 – રાજકોટ લોકસભા ચુંટણીમાં ભાજપ માટે સલામત ગણાતી રાજકોટ લોકસભા બેઠક સહિત અનેક બેઠકોમાં ઉમેદવાર સામે વધેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત મહત્વની બની રહેશે.
શ્રી પટેલનો ભાજપની કેન્દ્રીય ચુંટણી ઢંઢેરા સમીતીમાં સામેલ કરાયા છે અને તેની સામે ભાજપ મોવડીમંડળ સમક્ષ તેઓ ગુજરાતની ચાર થી છ બેઠકો પર જે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. તે અંગે પણ માર્ગદર્શન મેળવશે. ખાસ કરીને રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની માંગ તિવ્ર છે.
રાજકોટમાં ક્ષત્રિય સમાજે બાયો ચડાવી છે અને રૂપાલાને બદલવા માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે તો સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટિકીટ અપાઈ તેનો વિરોધ છે અને અગાઉ ભીખાજી ઠાકોરની ટિકીટ પાછી લેવાઈ તેમાં હવે ભીખાજીના ટેકેદારો વિફર્યા છે અને આ જીલ્લામાં પણ વિવાદ છે તો અન્ય જીલ્લામાં નાના-મોટો વિરોધ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખુદ મુખ્યમંત્રીએ સાબરકાંઠાની પરીસ્થિતિ અંગે આ ક્ષેત્રના અગ્રણીઓને મળીને સ્થિતિ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો પણ થયો નથી તો રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમુદાયનો જે વિરોધ છે તે તો મોવડીમંડળ જ નિર્ણય લઈ શકે તેવી સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત મહત્વની બની રહેશે.