ભમ્મરીયાનાળાથી કસ્બા તરફ જતો આ માર્ગ જાણે મહેસાણા ટ્રાફિક પોલીસ તંત્રમાં આવતો જ ન હોય તેમ એક પણ કર્મી પણ મુકાતો નથી
મહેસાણાના આ માર્ગ પર વકરતી જતી ભારે ટ્રાફિકની સમસ્યા માટે મહેસાણા પાલિકા અને મહેસાણા ટ્રાફિક પોલીસ તંત્ર જવાબદાર
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. જેમ જેમ શહેરનો વિકાસ થતો જાય છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યાને વધુને વધુ વકરતી જાય છે. મહેસાણા નગરપાલિકા દ્વારા રોડ રસ્તા પહોળા કરી ટ્રાફિકની સમસ્યા દુર કરવાના પ્રયત્નોમાં ઘણે અંશે સફળતાં પણ મળી છે. પરંતુ મહેસાણાના ભમ્મરીયાનાળાથી કસ્બા સુધીની ટ્રાફિકની સમસ્યા રોજ બરોજ વધતી જાય છે. રોજબરોજ અનેક વાહનચાલકો આ રસ્તેથી પસાર થતાં ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમ છતાં મહેસાણા નગરપાલિકા દ્વારા અહીંના દબાણો હટાવી ટ્રાફિકની સમસ્યા દુર કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યાં છે. ભમ્મરીયાનાળાથી કસ્બા સુધી થતો ભરચક ટ્રાફિકના કાયમી નિવારણ માટે વધારાના દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરી ટ્રાફિકની કાયમી સમસ્યાના નિરાકરણ માટે મહેસાણા પાલિકાના અત્યાર સુધીના તમામ ચેરમેન નપુંસક જ સાબિત થયા છે. વર્ષોથી સર્જાતી આ રસ્તા પરની ટ્રાફિકની સમસ્યાને દુર કરવામાં કોઇ માઇનો લાલ કે કોઇ બંકો અત્યાર સુધી સફળ થયો નથી હરહંમેશ નિષ્ફળતા જ વળી છે.
તો બીજી તરફ મહેસાણાના ટ્રાફિક તંત્ર દ્વારા જાણે મેહસાણાના ભમ્મરીયાનાળાથી કસ્બા તરફ જતાં માર્ગો જાણે મહેસાણા ટ્રાફિક તંત્રના વિભાગમાં આવતાં જ ન હોય તેમ અહીં ટ્રાફિકને દુર કરવામાં કોઇપણ પ્રકારની કામગીરી કે કોઇ ટ્રાફિક તંત્રના કર્મચારીને રાખવામાં આવતાં નથી તો શું ભમ્મરીયાનાળાથી કસ્બા તરફ જતો માર્ગ શુંં મહેસાણા ટ્રાફિક પોલીસ વિભાગના તંત્રમાં આવતો જ નથી. આ ટ્રાફિકની સમસ્યા માટે મહેસાણા નગરપાલિકા અને મહેસાણા ટ્રાફિક પોલીસ વિભાગ સંયુક્ત કામગીરી કરે તો જ આ ટ્રાફિક સમસ્યાનું કાયમી નિવારણ લાવી શકાય તેમ છે.
બાકી તો અત્યાર સુધી રામ રાજ્યને પ્રજા સુખીની જ અપનાવવામાં આવી રહી છે. ત્યારે આ અહેવાલ પરથી મહેસાણા નગરપાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારી અથવા તો મહેસાણા ટ્રાફિક પોલીસ વિભાગના બહેરા કાને મહેસાણા શહેરની જનતા જર્નાદનની આ વેદના પહોંચે છે કે કેમ? બાકી તો અત્યાર સુધી શહેરની જનતા જર્નાદન માથાના આ દુખાવા સમાન સમસ્યા સહતી જ આવી છે અને આગળ પણ સહન કરવાનો વારો આવશે.