— યુવક 25મી ફેબ્રુઆરીએ 12 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાને લઈ નીકળી ગયો હતો
— મૃતક માનસિક બીમાર હોઇ અગાઉ પણ બે-ત્રણ વાર ઘરેથી ગુમ થયા હોવાનું પરિવારે જણાવ્યું
ગરવી તાકાત મહેસાણા: ખેડા તાલુકાના બદરપુરમાંથી 5 દિવસ અગાઉ બે બાળકો સાથે ગુમ પિતાની લાશ મંગળવારે કડીના કરણનગર નજીક નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. જ્યારે લાપતા બે બાળકોની શોધખોળ હાથ ધરી છે. ખેડાના બદરપુર ઠાકોરવાસમાં રહેતા સોલંકી વિષ્ણુભાઈ સોમાભાઈ (35) ગત 25મી ફેબ્રુઆરીએ ઘરેથી અગમ્ય કારણોસર કોઈને કહ્યા વિના 12 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાને લઈને નીકળી ગયા હતા. પરિવારજનો ભારે હૈયે સતત ચાર દિવસથી ગુમ યુવક અને તેના બાળકોની શોધખોળ કરી રહ્યા છે. સગાસંબંધી સહિત સોશિયલ મીડિયામાં ફોટા સેર કરી શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.
દરમિયાન મંગળવારે કડીના કરણનગર નજીક નર્મદા કેનાલમાં એક પુરુષની લાશ તરતી દેખાઈ હતી. સ્થાનિક લોકોએ કડી પોલીસને જાણ કરતાં બીટ જમાદાર હે.કો. રાજુભાઈ રબારી તાત્કાલિક કેનાલ પર દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી હતી.
પોલીસે લાશ કડી હોસ્પિટલમાં પીએમ કરાવી પરિવારજનોને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હે.કો.રાજુભાઈએ જણાવ્યું કે, યુવક માનસિક રીતે બીમાર હોવાનું અને અગાઉ બે-ત્રણ વાર ઘરેથી ગુમ થયા બાદ આપમેળે આવી ગયો હતો. ગત 25મીએ બંને સંતાનોને લઈ ઘરેથી નીકળ્યો હતો. યુવકની લાશ મળી છે, પરંતુ બે બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી.
— ઓળખપત્ર આધારે ઓળખ થઇ:
મૃતકે પહેરેલાં કપડાંની તલાસી લેતાં તેમાંથી યુવકનાં ઓળખપત્ર મળ્યા હતા. જેને આધારે પોલીસે તેના વાલીવારસોને જાણ કરતાં કડી આવી પહોંચેલા યુવકના પરિવારજનોએ લાશ વિષ્ણુભાઈ સોલંકીની હોવાની ઓળખ કરી હતી.
તસવિર અને આહેવાલ: જૈમિન સથવારા – કડી