ગુજરાત લોકસભાની બેઠકોના કોઇપણ ઉમેદવાર હવે બદલવામાં આવશે નહી
રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજે જે રીતે પરસોતમ રૂપાલા સામે આંદોલન છેડ્યું છે અને સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટીકીટ આપી છે તેની સામે સૌથી તીવ્ર વિરોધ છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 02 – લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકોટ અને સાબરકાંઠા સહિતની બેઠકોમાં સજાર્યેલ અસંતોષ અને ઉમેદવાર બદલવાની માંગણી સાથે ચાલી રહેલા વિવાદમાં આજે ભાજપ મોવડી મંડળે રાજ્યમાં એક પણ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર નહીં બદલે તેવી સ્પષ્ટ વાત કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી હાલ દિલ્હીમાં છે અને તેઓએ રાજકોટ અને સાબરકાંઠા ઉપરાંત બેઠકોમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે મોવડી મંડળને માહિતગાર કર્યું હતું. બાદમાં ભાજપના ટોચના સુત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે જે ઉમેદવાર પસંદ કરાયા છે તે આખરી છે.
હવે કોઇ ઉમેદવાર બદલવાનો પ્રશ્ન જ આવતો નથી અને તમામે હવે પક્ષની ચૂંટણી કામગીરીમાં જોડાઇ જવું જોઇએ. ભાજપ મોવડી મંડળના આ નિર્ણયથી રાજકોટમાં અને સાબરકાંઠા સહિતની બેઠકોમાં ઉમેદવાર બદલવાની માંગણી પર ભાજપ મોવડી મંડળે ઠંડુ પાણી રેડી દીધું છે.
રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજે જે રીતે પરસોતમ રૂપાલા સામે આંદોલન છેડ્યું છે અને સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટીકીટ આપી છે તેની સામે સૌથી તીવ્ર વિરોધ છે અને આ બેઠક માટે મોવડી મંડળ કોઇ વિચારણા કરશે તેવા સંકેત હતા પરંતુ હવે તે પણ રહ્યા નથી.