ગરવીતાકાત બાયડઃ બાયડ તાલુકાના સાઠંબા નજીક નાગાનામઠ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના માથે જીવનું જોખમ છે. અત્યંત ખખડધજ બની ગયેલી શાળા કોઈનો ભોગ લેશે બાદમાં જ તંત્ર જાગશે કે શું? તેવી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગને તો ખબર જ નહીં હોય કે જિલ્લામાં આવી કેટલીય શાળાઓ આવેલી છે. પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા અધિકારીઓ અંતરિયાળ વિસ્તારમાં જઈને શાળાઓની પરિસ્થિતિ ચકાસે તેવી લોકોમાં માંગ થઈ રહી છે.

નજીકમાં પ્રવેશોત્સવ આવી રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ નાગાનામઠ ગામની પ્રાથમિક શાળાની હાલત દયનિય બની છે. ખખડધજ હાલતમાં ઊભી રહેલી આ શાળા ક્યારે તુટી પડશે તેનું કંઈ જ નક્કિ નથી ત્યારે આવી પરિસ્થિતિમાં ગામના માસુમ બાળકો ભણી રહ્યા છે. તાજેતરમાં જ સુરતમાં બનેલી દુર્ઘટના લોકોને ભુલાઈ નથી. આ દુર્ઘટનામાં ૨૨ જેટલા માસુમોના મોત થયા હતા. બાદમાં સમગ્ર રાજ્યમાં ફાયરસેફ્ટીની ચકાસણી માટે દોડધામ મચી ગઈ હતી.

આ ઘટના બાદ શિક્ષણ વિભાગે પણ સ્કૂલોમાં જઈને ફાયર સેફ્ટી અંગેની તપાસ શરૂ કરી જ્યાં સેફ્ટી ન હોય તેવી સ્કૂલોને નોટિસ પણ ફટકારી દીધી હતી, પરંતુ આવી ખખડધજ સરકારી શાળાઓના સમારકામ માટે કોઈને નોટિસ ફટકારવામાં આવી છે? કોઈ ઘટના બને બાદમાં જ જાગતું તંત્ર અગમચેતી રાખીને દુર્ઘટના ન બને તેની કાળજી કરે તો ઘણી દુર્ઘટનાઓને રોકી શકાય તેમ છે. ત્યારે નાગાનામઠ ગામની સ્કૂલ પણ કોઈ બાળકનો ભોગ લે તેની જાણે તંત્ર રાહ જોઈને બેઠું હોય તેમ આ શાળા પ્રત્યે ઉપેક્ષા સેવાઈ રહી છે. લોકો તો એવી પણ વાતો કરી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાના અંતરીયાળ ગામોમાં આવી કેટલી સ્કૂલો ચાલી રહી છે તેની પણ શિક્ષણ વિભાગને ખબર જ નહીં હોય ત્યારે શહેરોની સ્કૂલો શણગારીને કે સારી સ્કૂલોમાં પ્રવેશોત્સવ કે ગુણોત્સવના ફોટા પડાવીને સંતોષ માની લેતા શિક્ષણ વિભાગે અંતરીયાળ વિસ્તારમાં જઈને તપાસ કરે તો કેટલીય આવી સ્કૂલો જણાઈ આવે તેમ છે.

અરવલ્લીના શિક્ષણાધિકારી શું કહે છે: જર્જરીત શાળા અંગે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ર્ડો.એ.કે મોઢ સાથે ટેલીફોનીક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાની શાળાઓના સમયાંતરે સરવે એન્જીનિયરો દ્વારા હાથ ધરાતા હોય છે નાગામઠ પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે ૪ રૂમ મળવા પાત્ર છે અને ચાર રૂમ કમ્પ્લેટ છે જર્જરિત ઓરડાની મુલાકાત કરી પ્રોસેસ શરુ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શાળાના આચાર્ય શું કહે છે ?: શાળાના આચાર્ય સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે જિલ્લામાંથી માહિતી માગવામાં આવે ત્યારે ત્યારે શાળાના જર્જરીત ઓરડા વિશે માહિતી ભરીને આપવામાં આવી છે. છતાં ક્યાં વિષય અટક્યો છે તે મારી જાણમાં નથી. આ ઉપરાંત શાળાની બિલકુલ પાછળ લાંક ડેમ પણ આવેલો છે તો આ જગ્યાએ આવેલ શાળા પણ વ્યવસ્થીત બાંધકામવાળી હોય તે હિતાવહ છે.