ગરવી તાકાત મેહસાણા: રાજ્યભર સહિત દેશમાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના પગલે રાત્રિ કરફ્યું જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના ઘણા મોટા મંદિરો તેમજ મોટા આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક સ્થગિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આસ્થાનું પ્રતિક ગણાતા વરણા ખાતે આ વર્ષે મેળાનું આયોજન નહી થાય.
વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ યોજાતો મેળો સતત બીજા વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા વરાણા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સમી તાલુકાના વરાણા ખાતે લાખો શ્રદ્ધાળુઓના શ્રદ્ધાના કેન્દ્ર સમા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ મહા સુદ બીજથી મહા સુદ પૂનમ સુધી ચાલનારો લોકમેળો યોજાય છે.
ચાલુ વર્ષે કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ શ્રદ્ધાળુઓને સંક્રમણનું જોખમ ટાળવા વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી તા.૧૬ ફેબ્રુઆરી સુધી મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.