— સહસ્ત્રલિંગ તળાવમાં રહેલા પ્રાચીન સ્થાપત્યો હાલમાં વેર વિખેર :
— તળાવની મુલાકાતે આવતા પ્રવાસીઓ સહસ્ત્રલિંગ તળાવની હાલત જોઈને દુખી થઈ રહ્યા છે :
ગરવી તાકાત પાટણ : ઐતિહાસિક નગરી પાટણનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. આ ધરતી પર અનેક સુરવીર રાજાઓએ રાજ કર્યું અને તે સમયે અનેક બેનમૂના સ્થાપત્યો બંધાવ્યા હતા. જેમાં સુંદર કોતરણી, શિલ્પ કલા કારીગરી કરવામાં આવતા તેની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવામાં આવી હતી. પાટણમાં સ્થિત રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. તે ખુબ જ ગૌરવની વાત છે પરંતુ રાણીની વાવ નજીક આવેલા પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવ હજુ પણ વીકાસ ઝંખે છે. આ તળાવમાં પુરાતત્વ વિભાગ દ્વારા દુર્લભતા સેવવામાં આવતા તેનો ભવ્ય ઇતિહાસ આજે નામશેષ તરફ જઈ રહ્યો છે.
પાટણ એટલે સિદ્ધરાજ જયસિંહની રાજનગરી. અહી અનેક પ્રાચીન વિરાસતના સ્થળો આજે પણ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. રાણીની વાવને નિહાળવા આવતા વિદેશી અને ભારતીય પ્રવાસીઓ રાનીની વાવ નજીક આવેલા સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત પણ ચોક્કસ લે છે.
પરંતુ પ્રવાસીઓ જ્યાં રાનીની વાવ ને નિહાળીને આનંદ અનુભવે છે ત્યાં સહસ્ત્રલિંગ તળાવની હાલત જોઈને દુખી પણ થઇ રહ્યા છે, કારણ કે, પ્રાચીન એવા સહસ્ત્રલિંગ તળાવનો ઈતિહાસ જાણે દટાઈ ગયો હોય તેવું લાગે છે. સહસ્ત્રલિંગ તળાવમાં રહેલા પ્રાચીન સ્થાપત્યો હાલમાં વેર વિખેર અને ભાગેલી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

સહસ્ત્રલિંગ તળાવના સ્થાપત્યોની જાણવણી ક્યાય દેખાતી નથી. તેટલું જ નહી સહસ્ત્રલિંગ તળાવમાં રહેલા પ્રાચીન સ્થાપત્યોની જાણવણી માટે બનાવેલી સંરક્ષણ દીવાલ પણ તૂટી પડી છે. છેલ્લા ઘણા વર્ષથી આ સંરક્ષણ દીવાલ તૂટી ગઈ છે પરંતુ જાણે પુરાતત્વ વિભાગને પ્રાચીન વિરાસતને જાળવવામાં કોઈ રસ જ ન હોય તેમ આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. સહસ્ત્રલિંગ તળાવમાં પ્રાચીન સ્થાપત્યો ક્યાંક રેતીમાં દટાઈ ગયા છે તો ક્યાંક પ્રાચીન સ્થાપત્યો તૂટેલા છે અને રઝળતા જોવા મળી રહ્યા છે.
રાણીની વાવ જેટલો જાણવા જેવો ઈતિહાસ સહસ્ત્રલિંગ તળાવનો પણ છે. કહેવાય છે કે, સહસ્ત્રલિંગ તળાવમાં એક હજાર શિવાલય હતા, પરંતુ હાલમાં અહી એક પણ શિવાલય જોવા મળતા નથી. પ્રવાસીઓને સહસ્ત્રલિંગ તળાવમાં શિવાલયોના દર્શન તો દુરની વાત રહી પરંતુ હાલમાં જે રીતે સહસ્ત્રલિંગ તળાવમાં સ્થાપત્યોની હાલત છે તે જોઇને પણ પ્રવાસીઓ દુખી થઇ રહ્યા છે.
પ્રવાસીઓનું માનવું છે કે કદાચ આ પ્રાચીન સ્થળો પણ ઈતિહાસ બની જશે. ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા બાદ તેની જાળવણી અને વિકાસ માટે મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તો સહસ્ત્રલિંગ તળાવ પણ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ જ છે પણ તેના વિકાસમાં પુરાતત્વ વિભાગને કોઈ રસ ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રાચીન અવશેષો નામાંશેષ તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ