ગરવીતાકાત,ધાનેરા: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત પેટા આરોગ્ય કેન્દ્રો પર જવાબદાર કર્મચારીઓની મનમાનીના પગલે સરકારી દવાઓનો જથ્થો સડી રહ્યો હોવાના અહેવાલો ચમક્યા બાદ હવે ધાનેરા તાલુકાના કોટડા-ધાખા ગામની સિમમાંથી પણ સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ઉહાપોહ સર્જાયો છે.
આ મામલાની જાણ થતાં ધાનેરા ખાતેના આરોગ્ય અધિકારીએ જમીનમાં દાટેલ દવાનો જથ્થો જપ્ત કરી તપાસનો દૌર હાથ ધર્યો છે.ગત શનિવારે ધાનેરા તાલુકાના ગુલ્લીબાજ આરોગ્ય કર્મીઓની પોલ ખોલ્યા બાદ આજે આરોગ્ય તંત્રની લાલીયા વાડીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.ગુરુવારે સાંજે ધાનેરા તાલુકાના કોટડા-ધાખા ગામની સિમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં  મળી આવતા આરોગ્ય તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા છે.કોટડા-ધાખા ગામની સિમમાં આવેલ વ્હોળા નજીક ખાડો ખોદી  કંઈક વસ્તુ દાટેલ હોવાનું જણાતાં ગામના બાળકોએ આ મામલે ગામલોકોનું ધ્યાન દોર્યું હતું.
જેથી ખાડામાં કોઈએ બાળક દફનાવ્યું હોવાની વાતો વહેતી થતા ગુરુવારે સાંજે જ ગામલોકોએ એકત્ર થઈ આ સ્થળે ખોદકામ કરતા આ ખાડામાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ખાડામાંથી અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ચાલુ મહિનાનો આરઆરએસનો પાવડર મળી આવતા ગામલોકો પણ ચોંકી ઉઠ્‌યા હતા .કોટડા સહિત અન્ય ગામોમાં ફરજ બજાવતા મેલેરિયા વર્કર હાર્દિક રાણાને ગામલોકોએ ફિલ્ડમાં કામ કરતા ક્યારેય જોયો નથી.જેથી આ મામલે ગ્રામજનોએ તાલુકા આરોગ્યઅધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.જમીનમાંથી દાટેલ હાલતમાં મળેલ દવાના આ જથ્થા બાબતે પણ યોગ્ય તપાસ થાય તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે. 

આ બાબતે ગામલોકોની રજૂઆતના પગલે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ.ચૌધરીએ આજે સવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે કોટડા ધાખા ગામે ધસી જઇ ખાડામાં દાટેલ દવાનો જથ્થો બહાર કઢાવી તેની ગણતરી કરી મુદામાલ કબજે લીધો હતો.કોટડા ધાખા ગામ કુંવારલા આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતું હોઈ આ મામલે કુવારલા આરોગ્ય કેન્દ્રના  ફરજ પરના તબીબનો પણ  જવાબ લઈ આ સ્ટોક ક્યાં ક્યાં પેટા આરોગ્ય કેન્દ્રોનો હોઈ શકે તે બાબતે ઊંડી  તપાસ હાથ ધરાઇ છે.

આ મામલે આરોગ્ય અધિકારી પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ બહારના વ્યક્તિએ સરકારી દવાનો આટલો મોટો જથ્થો લાવી જમીનમાં દાટયો હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ મામલે ગામના આગેવાનો તેમજ સરપંચના નિવેદન લઈ ૨૦ કિલો દવાનો આ બિનવારસી જથ્થો કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે.

Contribute Your Support by Sharing this News: