અમે આજે સવારે અમારા દીકરાને હોસ્પિટલે લાવ્યા હતા. ડોક્ટરોએ મારા પુત્રને સારવાર માટે બીજે ક્યાંક લઈ જવાની સલાહ આપી હતી. અમે વાહન માંગ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી હતી. શાહજહાંનપુરમાં એક આઘાત પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક મહિલાને એમ્બ્યુલન્સ આપવાની ના પાડતા તેણીએ પોતાના પુત્રને જાતે જ ઊંચકીને લઈ જવો પડ્યો હતો. પુત્રને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવા માટે કોઈ મદદ ન મળતા દીકરાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બીજી તરફ હોસ્પિટલના તંત્રનું કહેવું છે કે બાળકના માતાપિતાને તેને સારી હોસ્પિટલમાં ખસેડવાનો સલાહ આપવામાં આવી હતી. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, વધારે તાવની ફરિયાદ બાદ તેના દીકરાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. “અમે આજે સવારે અમારા દીકરાને હોસ્પિટલે લાવ્યા હતા. ડોક્ટરોએ મારા પુત્રને સારવાર માટે બીજે ક્યાંક લઈ જવાની સલાહ આપી હતી. અમે વાહન માંગ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી હતી. આ સમયે હોસ્પિટલના આંગણામાં ત્રણ એમ્બ્યુલન્સ પાર્ક કરેલી હતી. મને ખબર નથી તેમણે આવું શા માટે કર્યું હતું,” મૃતકને પિતાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા આવું જણાવ્યું હતું. હોસ્પિટલની આવી વાત બાદ પૈસા ન હોવાથી બાળકના માતાપિતા તેના દીકરાને લઈને પગપાળા જ નીકળી પડ્યા હતા. બાળકના માતાના જણાવ્યા પ્રમાણે તેઓ રસ્તામાં હતા ત્યારે જ તેના દીકરાનું મોત થઈ ગયું હતું. બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર્સે બાળકના માતાપિતાએ કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. એએનઆઈ સાથે વાતચીત કરતા ઇમરજન્સી મેડિકલ અધિકારી અનુરાગ પરાશરે જણાવ્યું કે, “અફરોઝ નામના બાળકને સાંજે 8.10 વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેની તબિયત સારી ન હોવાથી અમે તેના માતાપિતાને સારી સારવાર માટે બાળકને લખનઉ લઈ જવાની સલાહ આપી હતી. બાદમાં બાળકના માતાપિતા એવું કહીને તેને અહીંથી લઈ ગયા હતા કે અમે અમારી મરજી પડશે ત્યાં તેને લઈ જઈશું.