મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે હત્યાના ફરાર આરોપીને લીંચ ગામેથી ઝડપી લીધો
અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો કેદી પાંચ દિવસના પેરોલ પર છૂટ્યોં હતો ત્યારબાદ હાજર થયો ન હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 06 -(Sohan Thakor) – હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી પેરોલ રજા ઉપર આવ્યોં હતો. પરંતુ પેરોલની રજાઓ પુરી થવા છતાં હાજર ન થઇ પોલીસ પકડથી નાસતો ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે લીંચ ગામેથી ઝડપી પાડી ફરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પર છૂટા થયેલ તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ. નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, હેકો. રશમેન્દ્રસિંહ, હેકો. મુકેશકુમાર, કાંતિભાઇ સહિત પેરોલ ફર્લોની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતા. તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હેકો. રશ્મેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામનો હત્યાના કેસમાં સંડોવાયેલો આજીવન કેદની સજા ભોગવતો કેદી ઠાકોર જોરાજી પ્રતાપજી રહે. લીંચ નાથાણીવાસ તા.જી.મહેસાણાવાળો ગત તા. 15-05-2024ના રોજ પાંચ દિવસની પેરોલ રજા ઉપર આવ્યો હતો જેને ગત તા. 21-05-2024ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનું હતું પરંતુ હાજર ન થઇ પોલીસ પકડથી નાસતો ફરતો હતો જે લીંચ ગામે તેના ઘરે હાજર હોવાની બાતમી મળતાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ લીંચ ગામે પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો. હત્યાના કેસમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા આરોપીને મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.