ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૧)

મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા રોડ પર પાલાવાસણાથી કાલરી સુધીના 35 કિમીના ડબલ હાઇવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ગણ્યે ગણાય નહીં એટલા છે. એમાંય પાલાવાસણાથી હનુમંત હેડુવા તેમજ બલોલથી નદાસા, આસજોલ સુધીના રોડનું તો નામોનિશાન બચ્યું નથી. બે મહિના પહેલાં જ બનેલા ચડાસણા-કાલરી રોડના પણ છોતરાં ઉડી ગયા છે. આ રોડનું કામ ચાલતું હતું ત્યારે જ કામ સામે સવાલો ઉઠ્યા હતા. પરંતુ ભ્રષ્ટ તંત્રના પાપે આજે લોકો હેરાન થઇ રહ્યા છે. આ રોડ પર રોજ બે ત્રણ વાહન ગુલાંટ ખાઇ જવાના બનાવો બને છે. હવે તો આ રોડ ઉપર સર્જાતા અકસ્માતો માટે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઇએ તેવો રોષ વાહનચાલકો કાઢે છે.

પાલાવાસણા-બલોલ-કાલરી રોડ માર્ગ અને મકાન વિભાગે બનાવ્યાને હજુ ત્રણ વર્ષ થયાં ત્યાં ખાડા પડી ગયા છે. ત્રણ વર્ષ સુધી રોડની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. એટલે આ રોડ રિપેર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે અને કામ કરાવવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીની. છેલ્લા 15 દિવસથી આ રોડ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. પણ એસી ઓફિસમાં બેસવા ટેવાયેલા સાહેબ જરા આ રોડ પરથી પસાર થાય તો ખબર પડે ને કે આપણે કેવો રોડ બનાવ્યો હતો…?