• આરોપીના ઘરના વાડામાંથી અને અન્ય સ્થળેથી તમામ 20 સાગી પાટડીઓ કબ્જે લીધી
  • તાપી જિલ્લાનાં જંગલો સાફ કરી લાકડાંની તસ્કરીનો ધીકતો ધંધો
  • ઘર અને વાડામાં સંતાડેલા 70 હજારનાં સાગી લાકડાં જપ્ત કરાયાં

ગરવીતાકાત સુરતઃ સોનગઢ તાલુકાના ઊંડાણના જંગલ વિસ્તાર એવા સાતકાશી ગામે રહેતો એક ઈસમ નજીક આવેલ રિઝર્વ ફોરેસ્ટમાંથી ગેરકાયદે સાગી લાકડાં કાપી લાવી પોતાના ઘરે અને પાછળના ભાગે સંતાડેલ હોવાની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા ઉપરોક્ત ગામે રેડ કરવામાં આવી હતી. દરમિયાન આરોપી ઈસમે વન વિભાગના સ્ટાફ સાથે દાદાગીરી કરી સરકારી બોલેરો કારની ચાવી ખેંચી લઇ તોડી નાખી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

ઘરે રેડ કરવામાં આવી: આ અંગે મળેલ વિગતો અનુસાર સોનગઢના સાતકાશી ગામે રહેતો ક્રિષ્ના સામાભાઈ વસાવા જંગલ ચોરીના કામકાજ સાથે સંકળાયેલો છે. હાલમાં આ ઈસમે ગામ નજીકના રિઝર્વ ફોરેસ્ટમાંથી ગેરકાયદે સાગી લાડકા કાપી પોતાના ઘરમાં અને વાડામાં સંતાડેલ હોવાની બાતમી રોજમદારો દ્વારા રેન્જ ફોરેસ્ટ અધિકારીને મળી હતી. આ બાતમીના અનુસંધાને વન વિભાગના સ્ટાફ દ્વારા સાતકાશી ગામે ઉપરોક્ત ઇસમના ઘરે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી ક્રિષ્નાના ઘરમાંથી કુલ 20 નંગ જંગલચોરીની સાગી પાટડીઓ મળી આવી હતી. અને સ્ટાફ દ્વારા એનો કબજો લઈ સરકારી બોલેરો કાર નંબર (GJ-26-G-0673) માં ભરવાની કામગીરી ચાલતી હતી.

જોતજોતામાં મોટું ટોળું ભેગું થઇ ગયું: આ સમયે ક્રિષ્ના વસાવા ત્યાં આવ્યો હતો એણે ઉપસ્થિત સ્ટાફને ધમકી આપી બાદમાં ગ્રામજનોને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં મોટું ટોળું ભેગું થઇ ગયું હતું એક તબક્કે મહિલા સહિતના અંદાજિત 50 લોકોના ટોળાએ વનકર્મીઓને ઘેરી લીધા હતા અને બબાલ શરૂ કરી હતી. જોકે આરએફઓ એ બનાવના સ્થળથી થોડે દૂર જ્યાં મોબાઈલ નેટવર્ક આવે છે, એવા સ્થળે જઈ ઉચ્ચઅધિકારીઓ ને અને પોલીસને જાણ કરતા થોડાજ સમયમાં વનકર્મીઓનો વધુ સ્ટાફ અને સોનગઢ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

20 સાગી પાટડીઓ કબ્જે લીધી: આ દરમિયાન ક્રિષ્ના અને તેના સાગરીતોએ કારમાંથી લાડકા ફરીથી ઉતારી સંતાડી દીધા હતા અને એ નાસી ગયો હતો. જોકે બાદમાં વધુ સ્ટાફ આવી જતા વનવિભાગે આરોપીના ઘરના વાડામાંથી અને અન્ય સ્થળેથી તમામ 20 સાગી પાટડીઓ કબ્જે લીધી હતી. આ અંગે આરોપી વિરુદ્ધ જંગલચોરીના સાગી લાડકા 1 ઘનમીટર કે જેની કિંમત 70,000 જેટલી થાય છે એ ની ચોરી કરવા સંદર્ભે વન અધિનયમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પોલીસ મથકે પણ ક્રિષ્ના વસાવા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી.

બીજી ટીમ સમયે આવી જતાં આરોપી ભાગી છૂટ્યો: વન વિભાગનો સ્ટાફ જયારે આરોપી ક્રિષ્ના વસાવાના ઘર માંથી લાડકા કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે આરોપી સ્થળ પર આવ્યો હતો અને એણે કારની ચાવી ખેંચી લીધા બાદ એને તોડી નાખી હતી. આજ સમયે ક્રિષ્ના ઘર માંથી કેરોસીનનું ડબલું લાવી એના વડે કાર ને સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે સમયસર વધુ સ્ટાફ આવી જતા એ ભાગી છૂટ્યો હતો.