પાટણ અને મહેસાણા એમ બે જીલ્લામાથી પસાર થતો 79.15 કિલોમીટર લાંબો નેશનલ હાઈવેની કામગીરી ફરીવાર શરૂ કરાઈ છે. જેમાં ત્રણ માસ અગાઉ આ નેશનલ હાઈવેની કામગીરીનુ ટેન્ડર કોઈ કારણસર રદ કરી દેવામાં આવતાં પ્રોજેક્ટ અટવાઈ પડ્યો હતો. પરંતુ હવે ફરીથી ટેન્ડરીંગની પ્રક્રીયા શરૂ કરાતા પાટણ અને મહેસાણા એમ બે જીલ્લાને 79.15 કિ.મી. લાંબો ફોરલેન નેશનલ હાઈવે મળવા જઈ રહ્યો છે. પાટણના ખાન સરોવરથી લઈ છેક મહેસાણાના ગોઝારીયા સુધી લાંબો રસ્તો નેશનલ હાઈવેમાં રૂપાતંરીત થવાનો છે.
આ પ્રોજેક્ટર હેઠળ પાટણના ખાન સરોવરથી ચાણસ્મા, લણવા, ધીણોજ, પાંચોટ સર્કલ, શિવાલા સર્કલ, પાલાવાસણા સર્કલ, રામપુરા સર્કલ થઈને ગોઝારીયા સુધી આ 79.15 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ધિણોજ નજીક ટોલપ્લાઝા બનાવવાની વિચારણા ચાલતી હતી, જેથી મામલો અટવાયો હતો. આ સીવાય નેશનલ હાઈવે પર 60 મીટરથી લાંબા 4 મોટા, 60 મીટરથી નાના 16 બ્રીજનુ નિર્માણ પણ થવાનુ હતુ. પાટણથી ગોઝારીયા સુધીના રૂટમાં 4 ઓવરબ્રીજ અથવા તો અંડરબ્રીજ સાથે 75 નાળા બનાવવાની પણ વિચારણા ચાલી રહી હતી.
પાટણના ખાન સરોવરથી લઈ ગોઝારીયા સુધીના આ હાઈવે પ્રોજક્ટની ટેન્ડરીંગની પ્રક્રીયા શરૂ થતાં હવે આ રૂટ પર બસ સેવા માટે 39 સ્પોટ, તેમજ 15 મહત્વના જંક્શન, 2 સ્થળે ટ્રક પાર્કિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને કૃત્રિમ રિચાર્જની વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટિંગ, લેન્ડસ્કેપિંગ અને વૃક્ષારોપણ, ટ્રાફિક સહાય, તબીબી સહાય, વાહન બચાવ પોસ્ટ્સ, હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે હાઇવે પેટ્રોલિંગ તેમજ એમ્બ્યુલન્સની સુવીધા મળવાની સંભાવના છે.