ગરવી તાકાત મેહસાણા: વિદેશી જવાની લ્હાયમાં લોકો સાથે અનેકવાર ઠગાઈની ઘટનાઓ દિવસેને દિવસે બનતી હોય છે. ત્યારે અન્ય સાથે થયેલી ઠગાઈની ઘટનાઓ બાદ પણ લોકો લાલચમાં આવી જઇ સોશિયલ મીડિયા મારફતે અથવા એજન્ટ મારફતે વિદેશ જવાની લાયમાં લાખો રૂપિયા ખોઈ બેસે છે. ત્યારે આવીજ એક ઠગાઈની ઘટના મહેસાણા જિલ્લામાં બની છે. જ્યાં એક યુવતીના ફોનમાં સોશિયલ મીડિયાની એક સાઈટ પરથી વિદેશ જવા વિઝા ફાઇલ કરી આપવા મામલે અજાણ્યા ઈસમેં 6.8 લાખની ઠગાઈ કરી છે.
મહેસાણા શહેરમાં માનવ આશ્રમ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા લાખોની છેતરપિંડી થવા મામલે મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ ડિસેમ્બર 2021 દરમિયાન યુવતીએ Indiacupid.com નામની વેબસાઈટ પર મેસેજ કર્યો હતો. જ્યાં અજાણ્યા નંબરથી દિપક લહેરી નામના ઇસમે યુ.કે વર્ક પરમીટ વિઝા ફાઇલ કરી આપવાના બહાને રૂપિયા માંગ્યા હતા.
વિદેશ જવાની લાલચમાં યુવતીએ ટુકડે ટુકડે દિપક લહેરી નામના ઇસમને કુલ 6 લાખ 8 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં દિપક લહેરી દ્વારા કોઈ પ્રત્યુત્તરના મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવતીએ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દિપક લહેરી નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.


