લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયેલ તીન તલાકનો કાયદો રાષ્ટ્રપતીની મંજુરી બાદ 19, સપ્ટેમ્બર 2018થી લાગુ થયો હતો. જેમાં મુસ્લીમ મહિલાઓ સાથે થતા અન્યાયને રોકવા આ કાયદો લાવવાની દલીલો કરાઈ હતી. આ કાયદાના પસાર થયા બાદ મુસ્લીમ કોમ્યુનીટીમાં હજુ પણ એવા કેસ સામે આવતા હોય છે જે આ કાયદાની વિરૂધ્ધમાં જઈ પત્નીને ત્રણ વાર તલાક કહી ગૈરકાનુની રીતે છુટાછેડા આપી દેતા હોય છે. આવો એક કિસ્સો મહેસાણા જીલ્લાના વિસનગરમાં સામે આવ્યો છે. જેમાં પતીએ દહેજની માંગ કરી પત્નીને ઘરની બહાર કાઢી મુકી હતી. જ્યાર બાદ પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કરતા પતી તેના ઘરે આવી મારપીટ કરી ગૈરકાયદેસર રીતે તલાક-તલાક કહી છુટાછેડા આપી જતો રહેલ જે મામલે વિસનગર પોલીસ સ્ટેશનમાં મહીલાએ ફરીયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
મહેસાણા જીલ્લાના વિસનગર ખાતે મેઈનબજારમાં આવેલ રંગરેજની પોળમાં રહેતી અમીરાબાનુ શેખના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા વડનગરના સીપોર ખાતે રહેતા એજાજ શેખ સાથે થયા હતા. શરૂઆતના લગ્ન જીવનમાં તો બધુ બરાબર ચાલી રહ્યુ હતુ. પરંતુ મહિલાના જેઠને ધંધામાં દેવુ થઈ જતા સાસુએ તેના પીયરમાંથી પૈસાની માંગ કરી હતી. જેથી મહિલા તેના પીયરમાંથી 1.5 લાખ રૂપીયા લઈને સાસરીયાને આપ્યા હતા. થોડા સમય વિત્યા બાદ અમીરાબાનુ પાસે તેમની સાસુ,જેઠ તથા પતીએ ફરીથી પૈસાની માંગણી કરવા લાગ્યા. જેની મહીલાએ મનાઈ કરતા તેને ઘરમાંથી કાઢી મુકવામા આવી. આ મામલે મહિલાએ તેના પીયરમાં જઈ સાસરીયા વિરૂધ્ધ કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. જેથી તેના પતીએ આવેશમાં આવી તારીખ 21/12/2020 ના રોજ મહિલાના ઘરે પહોંચી ભરણપોષણના દાવા મામલે તેની સાથે મારપીટ કરી ત્રણ વાર તલાક આપી જતો રહેલ. પતી જ્યારે મહિલાના પીયરમાં આવ્યો ત્યારે મહિલાની સાથે તેમની 2 ભાભીઓ જ હાજર હતી. આમ ગૈરકાનુની રીતે મહિલા સાથે મારપીટ કરી તથા તીન તલાક આપી ગુનો કરનાર તથા દહેજની માંગ કરી ઘરમાંથી બહાર કાઢી મુકવાના ગુનો આચરનાર વિસનગર પોલીસે મહિલાના પતી, સાસુ તથા જેઠ વિરૂદ્ધ 498એ,323,504,114 મુજબ ગુનો દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.