જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ
રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે.
ગરવી તાકાત, ગાંધીનગર,તા.12 – રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે.
આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે.
જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઈ એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 01 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.