લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી પ્રખ્યાત થયેલી ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીના આગોતરા જામીન માટેની અરજી હિસારની એસસી એસટી એક્ટ હેઠળ સ્થાપિત સ્પેશિયલ કોર્ટના જજ અજય તેવટિયાએ ફગાવી દીધી છે. જેના કારણે બબીતા જીની મુસીબતો વધી ગઈ છે. અને તે ધરપકડના ખતરાનો સામનો કરી રહી છે.
મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીએ ગત વર્ષે ૯ મેના રોજ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને અનુસૂચિત જાતિ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના વિશે દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલ્સને હાંસી શહેરના પોલીસ સ્ટેશનમાં ૧૩ મેના રોજ એસસી એસટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. હરિયાણામાં હાંસી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ મુનમુન દત્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી
આ મામલાને લઈ મુનમુન દત્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હરિયાણાના હાંસીમાં એક જ જગ્યાએ તમામ કેસની તપાસ કરવાની માંગ કરી હતી. આ સિવાય મુનમુન દત્તાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગ કરી હતી કે તેની સામે નોંધાયેલા તમામ કેસ રદ કરવામાં આવે. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. જે બાદ મુનમુન દત્તાએ ફરી હાઈકોર્ટમાં જઈને ધરપકડ પર સ્ટે માંગ્યો હતો પરંતુ બાદમાં તેના વકીલે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી
હવે તેણે હિસારની એસસી-એસટી એક્ટ હેઠળ સ્થાપિત કોર્ટમાં અરજી કરી હતી. જેના પર ૨૫ જાન્યુઆરીએ બંને પક્ષોની ચર્ચા થઈ હતી. આજે કોર્ટે મુનમુન દત્તા ઉર્ફે બબીતા ??જીની અરજી ફગાવી દીધી છે. નોંધનિય છે કે આ પહેલા પણ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલ્સને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને ફિલ્મ અભિનેત્રી યુવિકા ચૌધરી વિરુદ્ધ દલિત સમાજ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તેમને પણ જામીન મેળવવા પડ્યા હતા.
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો કિરદાર નિભાવતી મુનમુન દત્તાએ પણ વર્ષ ૨૦૨૧માં એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ તે સમાચારોમાં છવાઈ હતી. વીડિયો વાયરલ થયા પછી અભિનેત્રી વિરુધ્ધ હરિયાણામાં એસસી એસટી એક્ટ અંતર્ગત બિનજામીનપાત્ર ધારાઓ હેઠળ હ્લૈંઇ થઈ હતી. વિવાદ વકરતા અભિનેત્રીએ સાર્વજનિક રીતે માફી પણ માંગી હતી.