વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઇનર ક્રિસ્ડા રોડ્રિગ્ઝ કેન્સરથી પીડાઈને મૃત્યુ પામી એ પહેલાં એક હૃદય સ્પર્શી લેખ લખ્યો હતો. એ લેખ ભૌતિક સુખો પાછળ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ભાગતી આજની યુવા પેઢી માટે છે. એ લેખનો એક અંશ અહીં રજૂ કરું છું.
ગરવી તાકાત, તા. 28 – ક્રિસ્ટા એ પોતાના જીવન વિશે ખૂબ જ ચોટદાર રજૂઆતથી લોકોને આધુનિક વિશ્વની ભૌતિક માયાના ભ્રમથી સચેત કરવાનો અંતિમ પ્રયાસ કર્યો છે. ક્રિસ્ટા એ લખ્યું હતુ:
મારી પાસે મારી ગેરેજમાં વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડની કાર છે પરંતુ હવે હું વ્હીલચેરમાં મુસાફરી કરું છું.
મારી અલમારીઓ ડિઝાઈનર કપડાં, શૂઝ અને કીમતી આભૂષણોથી ભરેલી છે પરંતુ હવે મારું શરીર હોસ્પિટલની નાનકડી ચાદરમાં લપેટેલું છે.
મારા બેંક એકાઉન્ટમાં અઢળક નાણાં છે પરંતુ હવે મને એ નાણાં કે એના વ્યાજમાં કોઈ જ રસ નથી રહ્યો.
મારું ઘર રાજ મહેલ જેવું સુંદર છે પણ હવે હું હોસ્પિટલમાં ડબલ સાઈઝના બેડને જ મારું ઘર સમજવા લાગી છું.
હું એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી બીજી ફાઈવ સ્ટાર હોટેલમાં ફરતી રહેતી હતી પરંતુ હવે હું હોસ્પિટલથી લેબ અને લેબથી હોસ્પિટલ જવામાં જ સમય પસાર કરું છું.
મેં સેંકડો લોકોને ઓટોગ્રાફ આપ્યા હતા પરંતુ આજે ડૉક્ટર કાગળ પર દવા લખી આપે એ જ મારી ઓળખ બની ગઈ છે. એક સમયે મારા વાળ સજાવવા સાત બ્યુટિશિયન હતા પરંતુ આજે મારા માથા પર વાળ જ નથી રહ્યા.
હું મારા પોતાના પ્રાઈવેટ વિમાનમાં મન થાય ત્યાં ફરતી હતી પરંતુ હવે મને હોસ્પિટલમાં જવા માટે પણ બે માણસોની મદદની જરૂર પડે છે.
મારી પાસે મનભાવતાં ભોજનની કોઈ કમી નથી પરંતુ હવે હું સવારે બે ગોળી અને રાત્રે મીઠાવાળું પાણી પીઉં છું.
આ ગાડી, આ બંગલા, આ વિમાન, આ ફર્નિચર, બેંક ખાતાની રકમ, આ પ્રતિષ્ઠા અને ખ્યાતિ, એ કશું મારા માટે કામનું નથી. એનાથી મને જરા સરખી પણ રાહત મળે એમ નથી.
તમને ખબર છે અંતિમ સમયે મને શેનાથી રાહત મળી હતી? મને અંતિમ સમયે મેં હસેલા દરેક અસલી હાસ્યને યાદ કરીને રાહત મળી હતી, મેં જે લોકોના જીવનમાં ખુશીઓ લાવી હતી એ લોકોના ચહેરા યાદ કરીને રાહત મળી હતી, મને મારા અસ્તિત્વની દુનિયા પર અસર રહી જવાની છે એની ખાતરીની રાહત થઈ હતી.
આપણું જીવન આપણા એકલા માટે નથી. આપણું જીવન અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવવા અને આપણા ગયા પછી પણ આપણા અસ્તિત્વની અસર છોડી જવા માટે છે.