દુષ્કાળના સમયમાં ઢોરઢાંખરને પાણી પીવડાવવા રણમા મીઠું પાણી આશીર્વાદરૂપ

હારીજ: સમી તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામની દક્ષિણ દિશામાં આવેલા વેરણ ખારા રણમાં કુદરતી મીઠું પાણીના ઝરા વાટે મીઠું પાણી નીકળતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. બાબરી ચાંદરણી ગ્રામજનોએ ટ્રેક્ટરો માં બેસી જઈ નીકળતા પાણી ના ઝરા ઓના વહેણને વધામણા કરી ધ્વજારોહણ કરી પાણીના વધામણા કર્યા હતા. દુષ્કાળના સમયમાં ગામમાં લોકોને મીઠું પાણી મળતું નથી ત્યારે કુદરતી પાણી પશુઓ માટે આશીર્વાદ રૂપ સમાન થયું છે.

એક સપ્તાહથી પાણીના ધીમા ધીમા ઝરા નીકળી રહ્યા: સમી તાલુકાના રણકાંઠાવાળા વિસ્તારમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. પશુઓ માલઢોર પાણી અને ઘાસચારા માટે તડપી રહ્યા છે. ત્યારે તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામથી કચ્છના નાના રણમાં છેલ્લા એક સપ્તાહથી પાણીના ધીમા ધીમા ઝરા નીકળી રહ્યા છે .જે પશુઓને ઘેટા બકરાઓને ચારો ચરાવતાં માલધારીઓ પાણીના ખાબોચિયાઓ ભરેલા જોઈને પાણીનો સ્વાદ ચાખતા મીઠું પાણીનો આનંદ માણતા ગામમાં વાયુવેગે વાત પ્રસરી જવા પામી હતી. કુદરતી ચમત્કાર જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ સવાઈ જવા પામ્યો છે. હાલમાં સમગ્ર ગ્રામજનો ગામથી બે કિલોમીટર દૂર સમગ્ર માલઢોરને પાણી પીવડાવવા માટે લઈ જાય છે. આવા દુષ્કાળના કપરા સમયમાં “ખારા સમુદ્રમાં મીઠીવીરડી” સમાન પાણીના ઝરા સાબિત થયા છે.

35 વર્ષ બાદ બીજીવાર ઘટના: શાંતિદાસ સાધુના જણાવ્યા મુજબ ગામના વયોવૃદ્ધો ના જણાવ્યા મુજબ 35 વર્ષ અગાઉ દુષ્કાળના કપરા સમયમાં આ રણમાં પાણીના ઝરા નીકળ્યા હતા. ત્યાર પછી આવી બીજી વાર ચમત્કારિક ઘટના જોવા મળી છે.આ કુદરતી ચમત્કાર જોઈ મંગળવારના રોજ સવારે ચાંદરણી અને બાબરીના ગ્રામજનોએ વાગતા ઢોલે બે ટ્રેક્ટર ભરી મીઠા પાણીના વધામણા કર્યા હતા અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.

Contribute Your Support by Sharing this News: