— ગ્રેડ પે આંદોલનનો મુદ્દો હજી શમ્યો નથી : પાંચ મહિના વીતી ગયા છતાં કમિટિ તરફથી કોઈ જવાબ નહીં મળતા પ્રવાહી લઈને ઉપવાસ આંદોલન શરૃ કરવાની ચીમકી :
ગરવી તાકાત ગાંધીનગર : રાજ્યમાં પોલીસ ગ્રેડ-પેનું આંદોલન શરૃ થયુ થયાને પાંચ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નહી આવતા આંદોલનના મુદ્દે સસ્પેન્ડ કરાયેલી મહિલા કોન્સ્ટેબલ આજે ઉપવાસ આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હું ગ્રેડ પેનો ચૂકાદો નહી આવે ત્યાં સુધી પ્રવાહી લઈશ અને ઉપવાસ આંદોલન કરીશ.
રાજ્યમાં પાંચ મહિના અગાઉ શરૃ થયેલો પોલીસ ગ્રેડ-પેનો મામલો ફરીથી જોર પકડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે બાપુનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નિલમ મકવાણા ગાંધીનગરમાં સેક્ટર ૧૧ ખાતે ઉપવાસ ઉપર બેઠા હતા. વીર ભગતસિંહનો ફોટો લઈને આવી પહોંચી હતી અને કહ્યું કે, જે તે સમયે મેં આંદોલનમાં ભાગ લીધો હતો અને મારી સામે ખાતાકીય કાર્યવાહી કરીને મને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આંદોલન વખતે તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને બે મહિનામાં રિપોર્ટ આપવાની હતી પણ એ વાતને પાંચ-પાંચ મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ પણ કમિટીનો રિપોર્ટ મળ્યો નથી. કમિટી તરફથી કોઈ જવાબ મળ્યો નથી. હવે જ્યાં સુધી ગ્રેડ-પેનો ચૂકાદો નહી આવે ત્યાં સુધી હું પ્રવાહી લઈશ. અત્યારે પણ અનેક પોલીસ કર્મચારીઓ મારા સમર્થનમાં છે પણ તેઓ ખુલીને બહાર આવી શક્તા નથી. દરિમાયન નિલમ મકવાણાની અટકાયત કરવામાં આવી હતી. નોંધવું રહેશે કે ગત દિવાળી પર્વ પહેલા રાજ્યમાં પોલીસ પરિવારો ગ્રેડ પે આંદોલન મુદ્દે ગાંધીનગર પહોંચ્યા હતા અને આંદોલન વેગ પકડી રહ્યુ તે જ સમયે સરકારે સમયસૂચકતા વાપરી કમિટી બનાવવાનું વચન આપીને આંદોલન સમેટી લીધું હતું.