પોલીસ સ્ટેશનના બાથરૂમમાં બેભાન મળી આવ્યોપોલીસે યુવકનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ ગત સોમવારે પાંડેસરા દેવકીનંદન સ્કૂલ પાસે પ્રભુનગર સોસાયટીમાં ટપોરીની બહેનની છેડતીના મામલે ટપોરીઓએ નિર્દોષનો ભોગ લઈ લીધો હતો. હત્યા કરીને ભાગેલા 3 ટપોરીઓની પાંડેસરા પોલીસના ડી-સ્ટાફે બાતમીના આધારે દબોચી ધરપકડની કાર્યવાહી કરી હતી. દરમિયાન જેના પર છેડતીનો આરોપ લાગ્યો હતો તે યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દરમિયાન આજે સવારે પોલીસ સ્ટેશનમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

શું ઘટના બની હતી?: ગત સોમવારે મોડીરાત્રે રાત્રે 5થી 7 જેટલા ટપોરીઓ દીપુ નામના યુવકને શોધવા હથિયારો સાથે પાંડેસરા પ્રભુનગર સોસાયટીમાં ધસી આવ્યાહતા. ટપોરીઓએ દીપુને શોધવા માટે પહેલા મનીષ રાજપૂતને ફેંટ મારી મોબાઇલ છીનવી લીધો હતો. ત્યાર પછી રાકેશ નામના શખ્સે દીપુબાબતે પૂછ્યું હતું. દરમિયાન પ્રભુનગરમાં રહેતા અરવિંદ બેનવંશી અને તેનો ભાણેજ આઝાદ બેનવંશી જમીને ઘરે બેઠા હતા, પણ ઝઘડો થતો હોવાથી બહાર જોવા માટે નીકળ્યા હતા. આ સમયે ત્રણ ટપોરીઓ પૈકી કુલદીપ ઉર્ફે મોન્ટુએ અરવિંદને દીપુની એડ્રેસ પૂછીને સીધો હાથમાં છરો ધૂસાડી દીધો હતો. જેને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં અરવિંદને સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો અને મોડીરાત્રે તેની સર્જરી પણ કરાઇ હતી. જોકે, મંગળવારે સવારે છ વાગ્યે તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

નિર્દોષને ઉતાર્યો મોતને ઘાટ: પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી માથાભારે હાર્દિક અનીલ ગવળી, વિશાલ ઉર્ફે લાલુ ધીરૂ પટેલ અને કુલદીપ ઉર્ફે મોન્ટુ પ્રકાશ પાંડેની મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. ત્રણેય હત્યારા પાંડેસરામાં રહે છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, દીપુ નામના શખ્સે એક ટપોરીની બહેનની છેડતી કરી હતી. જેના કારણે ટોળકી દીપુને મારવા આવી હતી. ટપોરીએ દીપુને મારવાને બદલે નિર્દોષ અરવિંદનો જીવ લઈ લીધો હતો. અરવિંદ જંગબહાદુર(25) કલર કામ કરી ગુજરાન ચલાવતો હતો.

પોલીસે નિવેદન નોંધ્યું: ગત રોજ દીપુ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને પોલીસ પ્રોટેક્શન અંગે અરજી કરી હતી. દરમિયાન આજે સવારે પાંડેસરા પોલીસ સ્ટેશનના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસવાનમાં જ દીપુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપુ ભાનમાં આવતા પોલીસ નિવેદન નોંધા વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: