કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરત અને હૈદરાબાદના બે હિન્દુ નેતા સહિત હિન્દુ ધર્મ માટે પ્રચાર કરતી ચેનલના હેડની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું
ગરવી તાકાત, સુરત તા. 06 – હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે અને કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજો અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સુરત અને હૈદરાબાદના બે હિન્દુ નેતા સહિત હિન્દુ ધર્મ માટે પ્રચાર કરતી ચેનલના હેડની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.જેમાં આતંકી કનેક્શન ધરાવતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ નામના વ્યક્તિઓના સંપર્કમાં રહેલા મોલવીને રૂપિયા એક કરોડની ઓફર કરવામાં આવી હતી.જે હિન્દૂ નેતા સહિત ત્રણ લોકોની હત્યા કરવા માટે મૌલવીએ લુડો ગેમ મારફતે પાકિસ્તાનથી હથિયાર પણ ઓર્ડર કર્યું હતું.
બનાવની વિગતો જોઈએ તો, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હિન્દૂ સંઘના રાષ્ટ્રીય નેતા ઉપદેશ રાણાને ઇન્ટરનેશનલ કોલ મારફતે અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. ઉપદેશ રાણાએ આ અંગે સુરત પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી હતી .જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. બંધ બારણે ચાલી રહેલી તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે કામરેજના કઠોર ગામ ખાતે રહેતા અને મદ્રેસામાં મૌલવી તરીકે સેવા આપતા મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની ગતરોજ ધરપકડ કરી હતી.
મૌલવીની ધરપકડ દરમિયાન ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૂળ કામરેજના કઠોરનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝના સંપર્કમાં હતો.હિન્દૂ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી.આતંકી કનેક્શન ધરાવનારાઓએ કઠોરન મૌલવી સોહેલને આ સોપારી આપી હતી.જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી હતી.હત્યાનું કાવતરું પાર પાડે તે પહેલાં કઠોરના મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી પાડ્યો હતો.
સોહેલ મદરેશામાં મૌલવી તરીકે કામ કરે છે અને પરિવાર પણ મૌલવીના કામકાજ સાથે સંકળાયેલા છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વૈમનસ્ય ફેલાવતો હોવાનું સામે આવ્યું હતું.બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને સોશિયલ મીડિયા પર કૉમેન્ટ કરતો હતો.હિન્દૂ ધર્મ,દેવી-દેવતા,રાષ્ટ્રધ્વજને બીભત્સ રીતે મોર્ફ કરી પોતાના વોટસએપ ગ્રુપમાં અપડેટ કરતો હતો. મૌલવી સોહેલનો મોબાઈલ પણ કબ્જે કરાયો હતો.પોલીસ તપાસમાં આતંકી કનેક્શન ધરાવનારા તત્વોની ઓળખ ન થાય તે માટે મૌલવીને લાઓસ દેશનો ઇન્ટરનેશનલ સીમકાર્ડ ખરીદી આપ્યો હતો.
મૌલવીએ સુરતના ઉપદેશ રાણા,હૈદરાબાદના રાજાસિંગ અને હિંદુ ધર્મનો પ્રચાર કરતી ચેનલ હેડ નૂપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હતું.પાકિસ્તાન અને નેપાળ કનેક્શન સામે આવતા પોલીસ તપાસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શકયતા રહેલી છે.જે શકયતાઓના પગલે મૌલવીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરી કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેસ ખૂબ જ ગંભીર હોય કોર્ટે પણ ગ્રાઉન્ડને ધ્યાને લઇ દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જ્યાં આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.જે તપાસમાં આગામી દિવસોમાં નવા ખુલાસા બહાર આવવાની મોટી શક્યતાઓ રહેલી છે.