ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયા છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પદ પરથી રાજીનામુ આપ્યું છે. તારાચંદ કાસટે લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હિન્દીમાં લખેલુ રાજીનામું સોંપ્યું છે.
સુરતના તારાચંદ કાસટે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસમાં અનુશાસનની કમી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાની ફરિયાદ પણ કરી છે. તેમણે કોંગ્રેસનું સંગઠન નબળું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ ગયાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થયો છે. આમ, અનેક કારણો રજૂ કરીને તેમણે પક્ષે પોતાનું રાજીનામુ ધર્યુ છે.
કોંગ્રેસમાં એક તરફ નવા પ્રમુખ અને વિપક્ષના પ્રમુખની દાવેદારી માટે દિલ્હીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પક્ષમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે. આવામાં ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓને પણ દિલ્હીનું તેડુ આવ્યું છે. અમિત ચાવડા, પરેશ ધાનાની, ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, નરેશ રાવલ, હાર્દિક પટેલ, ગ્યાસુદ્દીન શેખ, જીગ્નેશ મેવાણી સહિત 15 જેટલા આગેવાનોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાબતે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરાશે.