સુપ્રિમે જામીન આપતા આમ આદમી પાર્ટીમાં ઉત્સવ જેવો માહોલ: કેજરીવાલને આવકારવા જબરી તૈયારી: બે રાજ્યો સહિત વિપક્ષોના ચૂંટણી પ્રચાર પર હકારાત્મક અસર પડશે
નવી દિલ્હી, તા.10 – દિલ્હીના શરાબ કાંડમાં આખરે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટે તા.1 જુન સુધી વચગાળાના જામીન આપ્યા છે અને તા.2 જુનના રોજ તેઓએ ફરી એક વખત જેલમાં સરન્ડર થવું પડશે. છેલ્લા એક પખવાડીયાથી કેજરીવાલની જામીન અરજી અંગે ટ્રાયલ કોર્ટથી સુપ્રિમ કોર્ટ સુધી ચાલેલા જંગમાં આખરે સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે છુટ સાથે તા.1 જુન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
ગત સપ્તાહએ જ સર્વોચ્ચ અદાલતે આ અરજીની સુનાવણી સમયે કેજરીવાલને વચગાળાના જામીન આપી શકાય છે તેવો સંકેત આપ્યો હતો. અને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કેજરીવાલની જામીન અરજી અંગે બપોરે 2 વાગ્યે ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના દિલ્હી વડા મથક ખાતે જબરો ઉત્સવ જેવું વાતાવરણ બની ગયું હતું અને કેજરીવાલને આવકારવા માટે મોટી તૈયારીઓ શરુ થઇ ગઇ છે.
આજે સાંજે કેજરીવાલને દિલ્હીની તીહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના બે મજબૂત રાજ્ય ગણાતા પંજાબ અને દિલ્હીમાં તા.1 જુનના મતદાન છે અને તેથી કેજરીવાલ પક્ષના પ્રચારમાં જોડાઇ શકશે. જો કે અદાલતે કેજરીવાલ ઉપર શરાબ કાંડ મુદ્ે કોઇપણ પ્રકારના જાહેરમાં કે પ્રચારમાં વિધાનો કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
આ અગાઉ ગઇકાલે જ ઇડીએ સુપ્રિમ કોર્ટમાં વધુ એક સોગંદનામુ દાખલ કરીને ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને જામીન આપવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે ચૂંટણી પ્રચારે કોઇ બંધારણીય કે નૈતિક અધિકાર નથી કે કાનૂની અધિકાર પણ નથી. અને જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તે ખોટું દ્રષ્ટાંત બનશે અને જો આ રીતે ચૂંટણી પ્રચાર માટે જામીન આપવામાં આવે તો જેલમાં રહેલા નેતાઓ માટે સરળતા બની જશે.