મહેસાણા ફાયર વિભાગના આઉટ સોર્સીંગના કર્મચારીઓ પાસેથી 25-25 રૂપીયાનુ ઉઘરાણુ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ મામલે યોગ્ય તપાસ થાય તો અનેક લોકોની સંડોવણી સામે આવે તેમ છે. પરંતુ નગરપાલીકાના પ્રમુુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ આ મામલાને ઠાળે પાડવાની કોશીષ કરી રહ્યા છે. જેથી આ કૌભાંડનો રેલો ફાયર ચેરમેન સુધી પહોંચી શકે નહી. જેથી આ મામલે વિપક્ષના કોર્પોરેટરોએ ચીફ ઓફીસરને રજુઆત કરી જણાવ્યુ છે કે, આ કૌભાંડમાં ઘણા લોકો સામેલ છે. જેથી એસીબી/ પોલીસ ફરિયાદ કરવામાં આવે.
ફાયર વિભાગના આઉટ સોર્સીંગના કર્મચારીઓ પાસેથી 25-25 હજાર ઉઘરાવવા મામલે 2 કર્મચારીઓને તત્કાલ ધોરણે કાર્યવાહી કરી ટર્મીનેટ પણ કરવામાં આવ્યા છે. જેમને 25 -25 હજાર રૂપીયા ઉઘરાવવાનુ કબુલ કર્યુ હતુ. જે બે કર્મીઓને ટર્મીનેટ કરવામાં આવ્યા છે તેમના નામ નિરવ પટેલ અને મહેશ ચૌધરી હોવાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચો – ભાવનગરની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટમાં હોદ્દેદારો દ્વારા રેકર્ડ રજુ નહી કરાતા, રજીસ્ટ્રારે નોટીસ ફટકારી
મહેસાણા ફાયર વિભાગના આઉટ સોર્સીંગ કર્મચારીઓ પાસેથી “જો પૈસા નહી આપો તો કરાર ઉપર નોકરી પર રાખવામાં નહી આવે” તેમ કહી પૈસા ઉઘરાવવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, એક કર્મચારીને કેન્સર હોવાથી તેમની સારવાર માટે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા.
25-25 હજાર રૂપીયા ઉઘરાવીને ફાયર વિભાગના ચેરમેનને આપવાની પણ ચર્ચા સામ આવી છે. આ મામલે નગરપાલીકાના પ્રમુખ તેમના બચાવમાં ઉતર્યા હતા. જેમાં તેમને જણાવ્યુ હતુ કે, આ મામલાથી તેઓ અજાણ છે. તેમને જણાવ્યુ હતુ કે, જો કોઈ કર્મચારી બીમાર હોય તો અમારી પાસે મદદ માંગી શકતા હતા, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ આપણા વિસ્તારના છે. આપણે તેમને પણ સારવાર માટે કહી શકીયે છીયે પરંતુ આવી રીતે પૈસાની ઉઘરાણી કરવાની શૂ જરૂર હતી. તેવો મામુલી ઠપકો આપી કૌભાંડ પર પડદો નાખવાનુ કામ કર્યુ હતુ.
તો બીજી તરફ કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ પણ આ કૌભાંડના રેલાને આગળ જતો અટકાવવા કહ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટ હેઠળ આવા કોઈ કર્મચારીઓની ભરતી કરવાનો ઠરાવ નથી. આગામી સમયમાં સરકાર તરફથી કંઈ આવે તો અમે એ તરફ વિચારી શકીયે છીયે.
પરંતુ આ મામલાને વિપક્ષે લપકી લઈને ગંભીર આક્ષેપ કરતા નગરપાલીકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. જેમાં કમલેશ સુતરીયા, અમીત પટેલ સહીતના કોર્પોરેટરોએ ભેગા મળી ચીફ ઓફીસર અલ્પેશ પટેલને રજુઆત કરી હતી. જેમાં વિપક્ષે ગંભીર આક્ષેપો લગાવી કહ્યુ હતુ કે, આ કૌભાંડમાં ઘણા લોકો સંડોવાયેલ છે જેથી તેમના તરફથી એ.સી.બી/પોલિસ ફરિયાદ કરવા રજુઆત કરી હતી.