મહેસાણા એરપોર્ટને અન્યત્ર ખસેડવા કલેક્ટરને પાલિકાના દંડકની રજૂઆત

શેર કરવા અહીં ક્લિક કરો.

— એરોડ્રોમ વિસ્તારમાં રહેણાંકી બાંધકામ વધતાં રહ્યાં છે ત્યારે :

— એરપોર્ટના ટ્રેનીંગ સેન્ટરના લીધે નજીકમાં રહેતાં લોકોને પારાવાર હાલાકી :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરની મધ્યમાં આવેલાં એરપોર્ટની આજુબાજુમાં રહેણાંકી સોસાયટીઓના બાંધકામની સાથે વિસ્તારનો ઝડપભેર વિકાસ થયો છે. અહીંના એરપોર્ટના ટ્રેનીંગ સેન્ટરમાં થતાં પાયલોટીંગના કારણે લોકોને ઘોંઘાટને સહન કરવો પડે છે. લોકોને માનસિક તણાવ સહન કરવો પડતો હોઈ આ એરપોર્ટને અન્યત્ર ખસેડવા માટે પાલિકાના દંડક દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી આપી રજૂઆત કરાઈ હતી.

મહેસાણા શહેરમાં રાધનપુર સર્કલ વિસ્તાર વ્યવાસાયિક રીતે હરણફાળ ભરતો રહીને બહુ જ ઝડપથી વિકસી રહ્યો છે. અહીં અસંખ્ય રહેણાંકી સોસાયટીઓના બાંધકામ થઈ ચૂક્યા છે અને હાલમાં પણ નવા બાંધકામનો રાફડો ફાટયો છે. ત્યારે સ્થાનિક વસાહતીઓ માટે માથાના દુખાવા સમાન બની રહેલો  ઘોંઘાટ અને  વિમાનોની અવરજવરના ધમધમાટથી ધમધમતા એરોડ્રોમને અન્ય સ્થળે ખસેડવાની માગણી સાથે મહેસાણા પાલિકાના દંડક કિર્તીભાઈ પટેલે અરજી આપીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી  હતી.

એરપોર્ટ દ્વારા ટ્રેનીંગ સેન્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને શીખાઉ પાયલોટ દ્વારા રાત-દિવસ પાયલોટીંગ કરવાના કારણે આસપાસની સોસાયટીના સિનિયર સીટિઝન, અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને હાલમાં ચાલતી બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે.

ભૂતકાળમાં એરોડ્રોમના રન વે પરથી પ્લેન  ઉતરવાના કારણે અકસ્માત થયો હતો. આ એરપોર્ટની આસપાસમાં રહેતાં રહીશોને માનસિક તણાવ સહન કરવો પડતો હોઈ અહીંના એરોડ્રોમને અન્ય સ્થળે ખસેડવાની માગણી  પાલિકાના દંડક કિર્તીભાઈએ જણાવ્યું હતુ.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.