• શાળાની છત પરથી પોપડા ખરતા હોય જાનહાનિની ઘટના સર્જાય તેવી ભીતિ, દિવાલોમા પણ તિરાડો પડી

ગરવીતાકાત બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની પ્રાથમિક શાળામાં દીવાલોમાં તિરાડો પડી જવાની સાથે સાથે શાળાના ઓરડાઓની છત પરથી પોપડા ખરી રહ્યા હોય વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે સરકારની શિક્ષણની વાતો પોકળ સાબિત થઇ રહી હોય અને શું આવી રીતે ભણશે ગુજરાત તેવા સવાલો ઉઠ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની આ પ્રાથમિક શાળામાં મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં શાળાના ઓરડાની છત પરથી સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે. આમ તો વાડિયા ગામ આખા દેશમાં જાણીતું છે આ ગામમાં શાળામાં બાળકો અભ્યાસ અર્થે આવે છે શિક્ષકો પણ બાળકોને ભણાવવા માટે આવે છે. પરંતુ શાળાના રૂમો ખંડેર હાલતમાં હોવાથી બાળકો ઓરડામાં બેસી પણ શકતા નથી અને શાળાના ઓરડાની છતો પરથી પણ પોપડા ખરી રહ્યા હોય ભારે જાનહાની સર્જાય તેવી ભીતિ છે. ત્યારે બીજી તરફ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે ત્યારે પ્રાથમિક શાળાના ઓરડાઓની પણ આવી ખંડેર હાલત જોઈ અનેક સવાલો ઉપસ્થિત થાય છે.  આ શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ નું કહેવું છે કે પોતાના બાળકોને તેઓ ભણવા તો મોકલે છે પરંતુ તેઓને સતત ભય સતાવતો રહે છે કે ક્યારેક કોઈ જાનહાની તો નહી થાય ને. પોતાનું બાળક શાળામાં અભ્યાસ કરીને હેમખેમ ઘરે આવશે કે નહીં આવે ? આ બાબતે ગામના જાગૃત નાગરિક રમેશભાઇએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતથી માંડીને રાજ્ય કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ગામમાં કોઈ દેખવા સુધી પણ આવેલ નથી. શું અમે ભારત દેશના નાગરિક નથી તેથી અમારી કોઈ રજૂઆત સરકારના

 લાગતા વળગતા અધિકારીઓ સાંભળવા તૈયાર કેમ નથી હવે અમારે રજૂઆત કોને કરવી તેવા સવાલો કર્યા હતા. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર જેમાં વીજળી, પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓનો પણ અભાવ હોય આ બાબતે સરકારે તાકીદે યોગ્ય પગલા ભરવા જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.