— પાલનપુરમાં માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં આજે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે સરકારે બહાર પાડેલ નોટિફિકેશનનો વિરોધ દર્શાવવામાં
આવ્યો હતો. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ નોટિફિકેશન માલધારી સમાજ માટે અને પશુપાલકો માટે અન્યાયી છે. ગુજરાતમાં તમામ ગૌચરમાં ખાનગી વ્યક્તિઓએ મોટાપાયે દબાણ કરેલ છે.
ગૌચર ખાલી કરાવવા પ્રયત્નો થતાં નથી અને પશુપાલકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. દરેક પશુપાલક માટે લાયસન્સ લેવું, દરેક પશુઓને ટેગ રાખવી અને વ્યાજબી દરકાર રાખવા છતાં જો પશુ રસ્તા પર જાય તો પશુપાલકને સજા કરવી આ પ્રકારનો કાયદો કાળા કાયદા બરાબર છે. માલધારી સમાજે જણાવ્યું છે કે આ પ્રકારનો કાયદો અન્યાયી છે અને તેનો સખત વિરોધ કરીએ છીએ અને જો કાયદો લાવવામાં આવશે તો ના છુટકે ઉગ્ર કાર્યક્રમો આપવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર