શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા ‘હોમ લર્નિંગ’કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ અંતર્ગત જોટાણા તાલુકાની સૂરજ સી.આર.સી.ની દરેક શાળાઓમાં “શેરીશાળા ” કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા ના.જિ.પ્રા.અ. ની પ્રેરણા તથા સી.આર.સી.કો.ઓના માર્ગદર્શન હેઠળ તમામ શાળાઓના આચાર્યઓ અને શિક્ષકોના સહકારથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આજના ઓનલાઈન શિક્ષણના સમયમાં જે બાળકો પાસે જરૂરી ડીઝીટલ ઉપકરણોની વ્યવસ્થા નથી તેવા બાળકો સાથે શાળાના તમામ બાળકો પોતાના જ મહોલ્લા,શેરીમાં જરૂરી પાયાનું જ્ઞાન મેળવી શકે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટમાં સી.આર.સી.કો.ઓ.સૂરજ દ્વારા કુલ 170 જેટલાં બેનારોનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું સી.આર.સી.સૂરજની તાબાની તમામ 10 શાળાઓમાં આ બેનારોનું વિતરણ કરવામાં આવ્યું છે.દરેક શાળાને ધોરણ 1 થી 8 ના અલગ અલગ વિષયના 17 બેનરો આપવામાં આવ્યા છે.ક્લસ્ટરના તમામ શિક્ષકો અને ગ્રામજનોની મદદથી આ બેનરો ગામની જાહેર જગ્યા પર લગાવવામાં આવ્યા છે.બેનરોમાં રહેલ શૈક્ષણિક બાબતોનું વાંચન અને લેખન બાળકો પોતાના સમયે કરે છે.તથા શિક્ષકો દ્વારા બાળકોની મુલાકાત દરમ્યાન બાળકોને જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવે છે.દર ૧૫ દિવસે બનેરોની જગ્યા બદલવામાં આવશે જેથી દરેક બાળકને તમામ વિષયોનો લાભ આપી શકાય.આ બેનરોમાં ધોરણ 1 અને 2 માટે ગુજરાતી તથા ગણિતનું શૈક્ષણિક સાહિત્ય પ્રજ્ઞા પ્રોજેક્ટ આધારિત મૂકવામાં આવ્યું છે તથા ધોરણ 3 થી 8 માટે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, ગણિત, સા.વિ જેવા વિષયોનું જરૂરી પાયાનું શૈક્ષણિક સાહિત્ય મૂકવામાં આવ્યું છે.આ સમગ્ર પ્રોજેક્ટમાં સી.આર.સી.સૂરજની તાબાની શાળાના તમામ આચાર્યો તથા શિક્ષકોનું યોગદાન રહેલ છે.