— નગરપાલિકા એ એક જ દિવસમાં 34 ઢોર પકડાયા:- ઢોર છોડાવવા આવનારા માલિકને દંડ ફટકારવામાં આવશે :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. ત્યારે કડી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
કડી પાલિકા શહેરમાં રખડતા ઢોર ના ત્રાસ ના કારણે પરેશાન થઈ રહેલા લોકો ના વહારે આવી છે.કડી પાલિકાએ એક જ દિવસમાં 34 જેટલા રખડતાં ઢોર ને ઝડપી પાંજરાપોળ માં મોકલવાની કામગીરી હાથ ધરી છે.
કડી શહેરમાં કેટલાક સમય થી રખડતાં ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે.શહેરમાં ઠેર ઠેર અંડીંગો જમાવીને બેસેલા ઢોર રસ્તે પસાર થતા રાહદારીઓને શિંગડે ચડાવી અકસ્માત સર્જતા હોય છે.મુખ્ય માર્ગો ઉપર ગાય અને આખલા ના જમાવડા ન કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભય ન ઓથાર વચ્ચે પસાર થવું પડી રહ્યું છે જેની ફરિયાદ કડી પાલિકાને વારંવાર કરવામાં આવી હતી. આખરે પાલિકાએ શહેરમાં લોકોને પડતી હાલાકી ને જોતા એક્શન મોડમાં આવી હતી.પાલિકાએ એક જ દિવસમાં 34 રખડતા ઢોર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કડી પાલિકાના કર્મચારી એ જણાવ્યા મુજબ આગળ પણ ઢોર પકડવાની કામગીરી સતત કરવામાં આવશે.જે ઢોર માલિક પાલિકા દ્વારા પકડવામાં આવેલા ઢોર છોડાવવા આવશે તેને દંડ ભરી બીજી વખત ઢોર ને રખડતું નહિ મૂકવા સૂચના આપવામાં આવશે.
નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોએ પણ નગરપાલિકાની આ કામગીરીને વખાણી હતી. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો રખડતા ઢોરોને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. ત્યારે આખરે કડી નગરપાલિકા હરકતમાં આવી હતી અને રખડતા ઢોરોને પકડીને પાંજેર પુરવામાં આવ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી