પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી જાય છે. મોટાભાગના ભક્તો અંબાજી પગપાળા જાય છે
અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 20 – પ્રસિદ્ધ અંબાજી ધામમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી જાય છે. મોટાભાગના ભક્તો અંબાજી પગપાળા જાય છે અને પોતાના વતન બસમાં પરત ફરે છે. ભક્તોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે એસટી નિગમ સજ્જ બની ગયું છે. અંબાજીથી વધારાની 1000 બસો ભક્તો માટે દોડાવાશે. કારણ કે, અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. એસટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. 1000થી વધુ બસ દોડાવવામાં આવશે.
અમદાવાદમાંથી ભક્તોના ધસારાને ધ્યાને રાખી બસો દોડાવાશે. તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે-સાથે મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બસ ઓવરલોડ ન જાય તેનું મોનિટરીંગ કરવામાં આવશે. અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
એસટી નિગમના ડેપ્યુટી ચીફ લેબર ઓફિસર દિનેશ નાયકે જણાવ્યું છે કે, અંબાજીમાં ભક્તો માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે-સાથે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા, બેનર, હોર્ડિંગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના 1000થી વધુ કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત રહેશે. ગત વર્ષે 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને ચાલુ વર્ષે GSRTC 23થી 29 સપ્ટેમ્બર સુધી 1000 બસ એક્સ્ટ્રા ટ્રીપ ગોઠવાશે. આ સિવાય 20 મીની બસ અંબાજીથી ગબ્બર સુધી મુકવામાં આવશે. દાંતાથી અંબાજી જવા માટે પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે.