મહેસાણામાં અન્ડરએજ ડ્રાઈવિંગ પર કડક કાર્યવાહી:લાયસન્સ વગર વાહન ચલાવતા 26 બાળકો પકડાયા, 2.33 લાખનો દંડ; વાલીઓ સામે FIR નોંધાશે
મહેસાણા શહેરમાં RTO અને પોલીસની 4 ટીમો દ્વારા અન્ડરએજ ડ્રાઈવિંગ વિરુદ્ધ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાર્વજનિક સંકુલ, આર.જે. ઇન્ટરનેશનલ, નાલંદા હાઇસ્કુલ, વર્ધમાન હાઈસ્કૂલ સહિતની શાળાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
16 વર્ષથી નાની ઉંમરના બાળકો દ્વારા વાહન ચલાવવાના કિસ્સાઓમાં વધારો થતાં આ કાર્યવાહી કરવામાં આવી. તપાસ દરમિયાન 26 અન્ડરએજ ડ્રાઇવિંગના કેસો અને 33 લાઈસન્સ વગર વાહન ચલાવતા બાળકો પકડાયા હતા. કુલ 2.33 લાખનો દંડ વસૂલવામાં આવ્યો અને વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતા
બેજવાબદાર વાલીઓ સામે પોલીસ વિભાગ FIR નોંધવાની કાર્યવાહી કરશે. 16 વર્ષથી નાના બાળકો ટ્રાફિકના નિયમોથી અજાણ હોય છે. તેઓ પોતાના અને અન્ય લોકોની સલામતી પ્રત્યે બેદરકાર હોય છે. આમ છતાં વાલીઓ તેમને વાહનની ચાવી સોંપી દે છે
.વહેલી સવારે થયેલી આ કાર્યવાહીથી જિલ્લાના બેજવાબદાર વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. નિયમિત એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ છતાં વાલીઓની બેદરકારી ઓછી ન થવી એ ચિંતાજનક બાબત છે. RTO અધિકારીઓએ શાળાઓમાં જઈને બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમણે સમજાવ્યું કે, ઉંમર કરતા વહેલા વાહન ચલાવવા આપવું એ ગર્વની નહીં, શરમની વાત છે.