— અરજદારોને ધરમધક્કા ખવડાવતા અધિકારીઓ સામે કાર્યવાહીની પ્રબળ માંગ ઉઠી :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલ ગેરરીતી સહિતની બાબતોની અરજી કરવા આવતા અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામી છે. પાલનપુરમાં જિલ્લા પંચાયતને આપેલ અરજી તપાસ અધિકારી એટલે કે ટી.ડી.ઓ સુધી પહોંચતા ૧૭ દિવસનો સમય લાગે તેવો જવાબ ખુદ અધિકારી આપી રહ્યાં છે.
પાલનપુર જિલ્લા પંચાયતની ડિસ્પેચ શાખામાં તા.૪-૬-૨૦૨૨ ના રોજ આપવામાં આવેલ પરમાર હિતેન્દ્ર પરમારની ગેરરીતીની અરજી તા.૬-૬-૨૦૨૨ ના રોજ વિકાસ શાખાના ટેબલ ઉપર પહોંચે છે. આ અરજીની આજે તા.૧૫-૬-૨૦૨૨ ના રોજ અરજદાર સંભાળ લેવા જતા જેમના ટેબલ પર આ અરજી આવેલ છે તે વિકાસ શાખાના અધિકારી ગૌસ્વામી કહે છે કે મને અરજી તા.૬-૬-૨૦૨૨ ના મળેલ છે.
આ અરજી ટી.ડી.ઓ સુધી પહોંચતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે એટલે કે અરજી જિલ્લા પંચાયતથી તાલુકા પંચાયત સુધી પહોંચતા ૧૭ દિવસ જેટલો સમય લે તેવું આ પરથી પુરવાર થાય છે. આમ, અરજદારોને માત્ર ધરમના ધક્કા ખવડાવતા અધિકારીઓ સામે પગલા લેવાય અને અરજદારોને તાત્કાલિક અસરથી સાંભળવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર