સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૩, સોમવારના રોજ છઠ્ઠા પદવીદાન સમારોહનું આયોજન કરાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 25 – સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૩, સોમવારના રોજ છઠ્ઠા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રાલયના મંત્રી માનનીયશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેશે તથા અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ, તબીબી અને ઉચ્ચ શિક્ષણમંત્રી માનનીયશ્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા જીલ્લાના સાંસદ માનનીય શારદાબેન પટેલ ઉપસ્થિત રહી પદવીદાન સમારોહની શોભામાં અધિવૃદ્ધિ કરશે.
આ પદવીદાન સમારોહમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ ૧૭૨૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે તેમજ વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ૩૬ સુવર્ણચંદ્રક તથા પદવી અને ૨૬ પી.એચ.ડી. સ્કોલર્સને ઉપસ્થિત મહેમાનશ્રીઓના વરદહસ્તે પદવી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતનાં વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રે ઉત્તમ અને સારું શિક્ષણ મળી રહે તે માટે યુનિવર્સિટી હંમેશા કાર્યરત રહી છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નુતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજને મંજૂરી મળેલ છે. જેના નવીન ભવનનું ઉદ્દઘાટન આમંત્રિત મહેમાન માનનીયશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા, માનનીયશ્રી ઋષિકેશભાઈ પટેલ અને માનનીય શારદાબેન પટેલના વરદહસ્તે કરવામાં આવશે.
આ સાથે યુનિવર્સિટી ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નુતન કોલેજ ઓફ નર્સિંગના નવા બે માળનું ઉદ્દઘાટન, નુતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ કોમ્યુનિકેશન કોલેજ ખાતે ડિઝાઇન સ્ટુડિયો અને યુનિવર્સિટીના સ્ટાફ માટે નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનું લગભગ ૮૫ કરોડના કામોનું ઉદ્દઘાટન ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે કરવામાં આવશે. પદવીદાન સમારોહ ને સફળ બનાવવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી અને રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટી પરિવાર કાર્યરત છે.