18મી લોકસભા ચૂંટણી માટે જાહેર થયેલા સાત તબકકાના ચુંટણી કાર્યક્રમના પ્રથમ તબકકા માટે આજે જાહેરનામુ બહાર પડાયું
ઉતરપ્રદેશ અને બિહાર તથા પ.બંગાળ સહિત 21 રાજયોની 102 લોકસભા બેઠક માટે આજથી ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ
નવી દિલ્હી તા. 20 – દેશમાં આગામી દશકાઓના રાજકારણ માટે અત્યંત મહત્વની 18મી લોકસભા ચૂંટણી માટે જાહેર થયેલા સાત તબકકાના ચુંટણી કાર્યક્રમના પ્રથમ તબકકા માટે આજે જાહેરનામુ બહાર પડતા જ ઉતરપ્રદેશ અને બિહાર તથા પ.બંગાળ સહિત 21 રાજયોની 102 લોકસભા બેઠક માટે આજથી ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થયો. તા.19 એપ્રિલે યોજાનારા મતદાન માટે તા.27 માર્ચ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે તથા તા.30 માર્ચના રોજ આ બેઠકોનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
પ્રથમ તબકકામાં નોર્થ-ઈસ્ટની તમામ બેઠકો માટે પ્રથમ તબકકામાં જ મતદાન થશે. જેમાં જાતિય હિંસાથી પીડીત મણીપુરનો પણ સમાવેશ થાય છે. જો કે અહીની એક બેઠક પર જે રીતે હિંસા સહિતની ચિંતા છે ત્યાં બે તબકકામાં મતદાન થશે. પ્રથમ તબકકામાં સૌથી વધુ તામિલનાડુમાં તમામ 39 બેઠકો માટે મતદાન થશે.
આ ઉપરાંત રાજસ્થાનની 12, ઉતરપ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ-ઉતરાખંડ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પ.બંગાળની 3, અરૂણાચલ પ્રદેશ, આંદામાન, નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ, પોંડીચેરી, સિકકીમ, છતીસગઢ અને ત્રિપુરાની 1-1 બેઠક પર મતદાન થશે. ઉતરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થશે અને ગત ચુંટણીમાં ભાજપે તે તમામ બેઠકો જીતી હતી.
દેશમાં કુલ સાત તબકકાની આ ચુંટણી અત્યંત રસપ્રદ બની રહેશે. ખાસ કરીને વડાપ્રધાને આ ચુંટણીમાં દક્ષિણ ભારતમાં ભાજપની એન્ટ્રીને નિશ્ચિત કરવા કર્ણાટકની સાથે તામિલનાડુમાં પણ તપાસ કેન્દ્રીત કરી છે અને છેલ્લા ત્રણ માસમાં સાતથી વધુ વખત આ રાજયની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ઉતરપ્રદેશ જેવા હિન્દી બેલ્ટના રાજયોમાં ભાજપની સ્થિતિ મજબૂત છે તેમાં કોઈ ગાબડુ પડે નહી તે નિશ્ચિત કરાશે. જો કે આજે જયાં ઉમેદવારીનો પ્રારંભ થશે ત્યાં અનેક બેઠકો પર હજુ ભાજપ તથા ઈન્ડીયા ગઠબંધન સહિતના પક્ષોએ ઉમેદવારની પસંદગી કરવાની પણ બાકી છે. આ સાત તબકકાના મતદાન બાદ તા.4 જૂનના પરિણામ જાહેર થશે.