ગરવી તાકાત મેહસાણા: મહેસાણા સિટીમાં ગઈ મધરાતે ગાયત્રી મંદિર પાછળ આવેલી સોસાયટીમાં 15 જેટલા શખ્સો લૂંટના ઇરાદે ઘૂસ્યાં હતા. જેમાં એક બંગલમાં ત્રણ શખ્સોએ ઘૂસીને વૃદ્ધાનું ગળુ દબાવતાં આખી સોસાયટી ભેગી થઇ ગઇ હતી. સોસાયટી ભેગી થઇ જતાં તમામ શખ્સોએ પથ્થર મારો કર્યો હતો.

મહેસાણા સિટીમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી શંખેશ્વર પાશ્વરનાથ નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે 15 જેટલા ઈસમો લૂંટ કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. રાત્રે 3 કલાકે બે નંબરના બંગલામાં ત્રણ જેટલા શખ્સો લૂંટ કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા. દરવાજો તોડી ઘરમાં સુઈ રહેલા 59 વર્ષીય માલતીબેનનું ગળું દબાવ્યું હતું. અવાજ સાંભળી તેમનો દીકરો ચિંતન ઉઠી જતા ચિંતને એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે ઈસમો ઘરમાંથી ભાગીને બહાર જતા રહ્યા હતા.

સમગ્ર સોસાયટી ભેગી થઇ જતાં ઝડપાયેલો એક શખ્સ પણ ભાગી ગયો હતો. ત્યારબાદ તમામ શખ્સોએ બંગલા પર અને સામેના મકાન પર પથ્થરમારો કર્યો હતો. આ અંગે સોસાયટીના રહિશોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તમામ શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.