ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લા ની ગિરિમાળાઓ ઓ માં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂર થી ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે ત્યારે ગુરુ પૂર્ણિમાનું હિન્દૂ સંસ્કૃતિમાં વિશિષ્ઠ મહત્વ હોવાથી દર વર્ષે હજ્જારોની સંખ્યામાં શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા રાજસ્થાનના ઉદેપુરની નાથ અને કાલબેલિયા ગેંગની મહિલાઓની જુદી-જુદી ટીમોએ ત્રાટકી બે મહિલાના ગળા માંથી દોરા તોડવામાં સફળ રહેલી મહિલા ગેંગના સભ્યો વધુ મહિલાઓને શિકાર બનાવે તે પહેલા ૩ મહિલાઓ ભક્તોના હાથમાં ઝડપાઈ જતા ભારે હોહા મચી હતી. જોકે આ દરમિયાન પોલીસ મહિલા પોલીસ સાથે આવી પહોંચતા તેમમે આ મહિલાઓને લોકોના હાથમાંથી છોડાવી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખસેડી હતી.

ગેંગની અન્ય મહિલાઓ ભાગી છૂટવામાં સફળ રહેતા ગેંગનો ભોગ બનેલી બે ભક્ત મહિલાઓની ફરિયાદના આધારે શામળાજી પોલીસે ૩ મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી અછોડા તોડ ગેંગની મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં કાલબેલિયા ગેંગ અને નાથ ગેંગના સભ્યો ઘરફોડ ચોરીમાં પોલીસતંત્રને હંફાવી રહી છે, ત્યારે બંને ગેંગની મહિલાઓ પણ મંદિરમાં દર્શનાર્થીનીઓને નિશાન બનાવી અછોડા તોડવાની લૂંટમાં સંકળાયેલી હોવાનો પર્દાફાશ થતા શામળાજી પોલીસતંત્ર સહીત જીલ્લા પોલીસતંત્ર પણ મૂંઝવણમાં મુકાઈ છે.શામળાજી વિષ્ણુ મંદિરમાં ગુરુપૂર્ણિમા નીમિત્તે ભક્તોની ભીડનો લાભ ઉઠાવી હસનાપુર (સોજા) ગામના રસીલાબેન બચુભાઈ પટેલના ગળામાં રહેલો બે તોલાના સોનાનો દોરો કિં.રૂ.૩૦ હજારનો તોડી સુંદરબેન બાબુલાલ નાથ રફુચક્કર થઈ ગઈ હતી તેની સાગરીત મહિલાઓ ૧) કાજલ સુનિલભાઈ નાથ અને ૨) મનીષા ગોવિંદભાઇ નાથ (બંને, રહે. ભુદર ખેરવાડા રાજસ્થાન) પકડાઈ જતા તેમજ અન્ય એક મહિલા ભક્ત હિંમતનગરના નિરૂબા કનકસિંહ ઝાલાના ગળામાંથી પણ અછોડો તોડતી મહિલા રાધિકા સુરેશભાઈ કાલબેલિયા (રહે, ઈસવાલ, રાજસ્થાન) ને લોકોએ ઝડપી પાડી હતી.

મહિલાએ તેની સાથે અન્ય મહિલાઓને દોરો આપી દેતા લઈને ફરાર થઈ ગઈ હતી. લોકોએ ઝડપાયેલી રાધિકા નામની મહિલાને પોલીસને સોંપતા શામળાજી પોલીસે અછોડા તોડતી બે જુદી જુદી મહિલા ગેંગની ત્રણ મહિલાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઇપીકો કલમ-૩૭૯ (એ) (૨) , ૧૧૪ મુજબ ગુન્હો નોંધી મહિલા ગેંગની અન્ય સભ્યોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.