વિદ્યાર્થીઓને ચોકલેટ, ગુલાબ અને માસ્ક, સેનેટાઈઝર આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો
જયંતી મેતીયા/ગરવી તાકાત : બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન શાળાઓ બંધ કરવામાં આવી હતી. તેમાં ધોરણ 1 થી 5 ના વર્ગો છેલ્લા 20 મહિનાથી બંધ હતા. દરમ્યાન આજે 20 મહિના બાદ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયા છે. ત્યારે વાલીઓ હજુસુધી પણ પોતાના બાળકોને શાળાએ મોકલવામાં જાણે કોરોનાનો ભય અનુભવી રહ્યાં છે. આજે પ્રથમ દિવસે પાલનપુરની શાળાઓમાં 30 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી.
પાલનપુરની કે.મા.ચોકસી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં આજે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થયા હતા. જેમાં વિદ્યાર્થીઓને ગુલાબ અને માસ્ક તેમજ સેનેટાઇઝર આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોઈ વિદ્યાર્થીઓના મનમાં ભયનું વાતાવરણ ન રહે તે માટે ચોકલેટ અને ગુલાબ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા માટે વાલીઓ પાસે સંમતિ પત્રક લખાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જોકે આજે પ્રથમ દિવસ હોવાથી ગતરોજ જાહેરાત થતાંની સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરવામાં આવતાં 30 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી તેમ જણાવ્યું હતું.