— સરકાર ગંભીર નથી તેવું કહેનારા કોંગ્રેસી નેતા જ બેફિકર
— નરોડામાં લગ્નમાં ભીડ વચ્ચે કોંગ્રેસી નેતાઓએ નોટો ઉછાળી, માસ્ક વિના ડાન્સ કરી નિયમોના ધજાગરા ઉડાડ્યા
કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જયો છે કે રોજના 20 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. આ જોતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર ગંભીર નથી . કોરોનાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ રહ્યુ છે તેવો આક્ષેપ કર્યો હતો.
આ જ જગદીશ ઠાકોરે નાના ભાઇના લગ્નમાં આમંત્રિતોની મોટી ભીડ એકઠી કરી હતી. એટલું જ નહીં, માસ્ક વિના ઠુમકા મારી ગાઇડલાઇનના ધજાગરાં ઉડાડયા હતાં. ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે લોકો ચિંતાતુર બન્યા છે પણ રાજકારણીઓ હજુય જાણે બિન્દાસ બન્યા છે.
સરકાર પર ટીકાઓનો વરસાદ કરનારાં કોંગ્રેસના નેતા-કાર્યકરો ય નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. કોરોનાએ ચિંતાજનક ચિત્ર ઉભુ કર્યુ છે જેથી સરકારે લગ્ન સમારોહમાં માત્ર 150 જણાંની મંજૂરી આપી છે. પણ રાજકારણીઓના સગાઓના લગ્નમાં સંખ્યા નિર્ધારિત હોતી જ નથી. આટલુ ઓછુ હોય તેમ નિયમો ય પાળવામાં આવતા નથી
નરોડામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઇના લગ્ન હોવાથી આમંત્રિતોની ભીડ ભેગી કરાઇ હતી.એટલું જ નહીં, સ્ટેજ પર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓએ માસ્ક સુધ્ધાં પહેર્યુ ન હતું. જગદીશ ઠાકોરે કોંગ્રેસી નેતાઓ સાથે ઠુમકા માર્યા હતાં. કોગી આગેવાનોને નોટો ઉડાડી મજા માણી હતી.
કયાંય સોશિયલ ડિસટન્સ કે માસ્કના નિયમનું પાલન થયુ હોય તેવુ દેખાયુ ન હતું. ચર્ચા એવી છેકે, સરકારને સુફિયાણી સલાહ આપનારાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જ ગાઇડલાઇનના ધજાગરાં ઉડાડયા હતાં. લગ્નનો વિડીયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.
ટૂંકમાં, આમ જનના માટે જ કાયદા છે. રાજકારણીઓને નિયમો જાણે લાગુ પડતા નથી. નિયમોનુ પાલન થતુ ન હોવાથી જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ મળી રહ્યુ છે. નોંધનીય છેકે, કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ ગુજરાતીઓને ચેતવ્યા છેકે, જો માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોનુ પાલન નહી થાય તો કેસોની સંખ્યા હજુય વધી શકે છે.
(ન્યુઝ એજન્સી)