— વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા ઘટવાથી આપણે આપણા જીવનનો ધીમે ધીમે નાશ કરી રહ્યા છીએ : સદગુરૂ
ગરવી તાકાત પાલનપુર : માટી બચાવો- સેવ સોઇલ અભિયાનના પ્રણેતા શ્રી સદગુરૂ જગ્ગી વાસુદેવ આજે પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલ બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે પધાર્યા ત્યારે બનાસવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક પર સવાર થઇને
આવેલા સદગુરૂનું આદિજાતિ નૃત્ય અને બનાસકાંઠાની બહેનોએ સામૈયું કરીને સ્વાગત કર્યુ હતુ.

બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા સદગુરૂએ જણાવ્યું હતું કે, આપણા શરીરને ચલાવવા માટે જે એનર્જી આવે છે એમાંથી માત્ર ૪૦ ટકા જ એનર્જી ખોરાકમાંથી આવે છે બાકીની ૬૦ ટકા એનર્જી માટી અને પર્યવારણમાંથી મળે છે. તેમણે જણાવ્યું કે, મેં જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ભારતની માટી એમેઝોનના જંગલ કરતા પણ વધુ ફળદ્રુપતાવાળી છે.
જે હવે ધીમે ધીમે બિનઉપજાઉ બની રહી છે. પ્રાણીઓના મળમૂત્ર વિના ટ્રેક્ટરો અને મશીનોથી કરવામાં આવતી ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આ ધરતી પર આજે કરોડો પ્રાણીઓ વસી રહ્યા છે. વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા ઘટવા
થી આપણે આપણા જીવનનો ધીમે ધીમે નાશ કરી રહ્યા છીએ તે વાત સારી રીતે સમજીને તેમણે વૃક્ષો વાવવા પર ભાર મુક્યો હતો.

સદગુરૂએ કહ્યું કે, દેશ અને દુનિયામાં ગુજરાતીઓ ધંધામાં ખુબ આગળ છે પરંતુ પૈસા, કોમ્પ્યુુટર કે ટેકનોલોજી આપણે ખાઇ શકતા નથી. ખાવા માટે તો અનાજની જ જરૂર પડે છે માટે માટીને બચાવવી ખુબ જરૂરી છે. ઇશા ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન- જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે ત્યારે તમારા સહકારથી જ સફળતા મળશે તેમ તેમણે જણાવ્યું હતુ.
સદગુરૂએ બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે વૃક્ષારોપણ કર્યુ હતુ. તેમના આગમનને વધાવવા લોક સાહિત્યકારશ્રી આદિત્ય ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મોજ કરાવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર