અંબાજી પર ત્રિશુલીયા ઘાટ પાસે સૌરાષ્ટ્રના પ્રવાસીઓની લકઝરી બસ પલ્ટી મારતા 30 મુસાફરોને ઈજા

શેર કરવા અહીં ક્લિક કરો.

.રાજકોટના જેતપુરથી બસ ઉપડી 18 દિવસ બાદ રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ ફરી પરત ગુજરાત આવી બહુચરાજી-મોઢેરા તરફ જતી હતી

ગરવી તાકાત, દાંતા તા. 04 – અંબાજી-દાંતા હાઈવે પર ત્રિશુલીયા ઘાટ પાસે સૌરાષ્ટ્રના યાત્રાળુ પ્રવાસી ભરેલી ખાનગી બસ પલ્ટી મારી જતા ડ્રાઈવર સહિત 30 મુસાફરોને ઈજા થઈ હતી .રાજકોટના જેતપુરથી બસ ઉપડી 18 દિવસ બાદ રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ ફરી પરત ગુજરાત આવી બહુચરાજી-મોઢેરા તરફ જતી હતી. ત્યારે બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. આ પટેલ ટ્રાવેલ્સ લખેલી બસમાં રાજકોટ, જામનગર, મોરબી, શાપર-વેરાવળ, જેતપુર, સણોસરા, કેશોદ, લજાઈના આશરે 50 મુસાફરો સવાર હતાં. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દાંતા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અંબાજી નજીક સૌરાષ્ટ્રના પ્રવાસીઓની બસ પલ્ટી: 30ને ઈજા
જયાં ગંભીર રીતે ઘવાયેલા ચારેક લોકોને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. આ બસનો અકસ્માત સર્જાતા દાંતા પોલીસ મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રવાસી દેવજીભાઈ પુંજાભાઈ ખુમાણ (ઉ.વ.61)એ જણાવ્યા કે, હું નિવૃત્ત જીવન ગુજારૂ છું અને રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાછળ શેરી નં.9માં રહું છું. ગઈ તા-14/11/2023 ના રાત્રે આશરે સાડા નવેક વાગ્યે હું તથા મારા પત્ની હંસાબેન રાજકોટથી પટેલ ટ્રાવેલ્સની ડબલ સીટર વાળી સ્લીપર લકઝરી ગાડી નં.જીજે- 14 – ટી -0574માં અન્ય પ્રવાસીયો સાથે પ્રવાસમાં જવા રવાના થયેલ હતા.

આ બસ જેતપુરથી ઉપડી હતી. જેમાં જેતપુરથી કેટલાક પ્રવાસીઓ અગાઉથી બેઠા હતા. બીજા પેસેન્જર રાજકોટથી ચડ્યા હતા. અમારો પ્રવાસ રાજકોટથી ડાકોર થઈ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી વગેરે કુલ 18 દિવસનો પ્રવાસ હતો. આ ગાડીમાં ડ્રાઇવર કંન્ડક્ટર સહિત આશરે 50 જેટલા પ્રવાસીયો હતા. પ્રવાસ દરમિયાન તા.2/12/2023 ના સાંજે રાજસ્થાનના આબુરોડ ખાતે નાઇટ હોલ્ટ કર્યો હતો. બીજા દિવસે તા.3ના રોજ સવારે સાતેક વાગ્યે આબુરોડથી બસમાં તમામ પ્રવાસી મુસાફરો સાથે અંબાજી જઇ અંબાજી મંદિરે દર્શન કરી આશરે સાડા અગીયારેક વાગ્યે અંબાજીથી નિકળી બસ મોઢેરા બહુચરાજી જવા રવાના થઈ હતી.

તા.3ના રોજ સવારે 11.30 વાગ્યે અંબાજીથી દાંતા વચ્ચે ત્રીશુલીયા ઘાટ ઉતરતા છેલ્લા વળાંકથી થોડા પહેલા બસ રોડ ઉપર રેલાવા લાગી હતી. પ્રવાસીઓ કંઇ સમજે તે 5હેલા બસ પલ્ટી મારી ગઈ હતી. દેવજીભાઈએ વધુમાં કહ્યું કે, હું બસમાં ડાબી બાજુ કંન્ડકટરથી બીજા નંબરની સીટમાં બેઠેલ હતો પરંતુ મને કોઇ ઇજાઓ થયેલ નહોતી. જેથી હું સામેની સાઇડની બારીનો કાચ તોડી સૌપ્રથમ બસમાંથી બહાર નિકળેલ તે વખતે અમારી બસ હનુમાનજીના મંદિર પાસે પલ્ટી મારી રોડની ડાબી બાજુ ડીવાયડર સાથે અથડાયેલ પડી હતી. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ અકસ્માત જોઈ તેઓના વાહનો ઉભા રાખી મદદ કરવા દોડી આવ્યા હતા.

પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢેલા અને કોઇએ 108 ગાડીને ફોન કરેલ. જેથી 108ની એમ્બ્યુલન્સની કેટલીક ગાડીઓ તથા પોલીસ મદદ માટે આવી ગઈ હતી. ઘણા માણસોને નાની મોટી ઇજાઓ થયેલ હતી. જેથી સારવાર માટે દાંતા તથા પાલનપુર હોસ્પિટલમાં લઇ જવાયા જતા. બસમાં બે માણસો ફસાઇ ગયા હતા. જેથી તેમને ક્રેઇન બોલાવી, ક્રેઇનની મદદથી બસ સીધી કરી, બંન્નેને બહાર કાઢેલા. જેમાં પ્રવાસના આયોજક નારણભાઈ ખીમજીભાઈ બગડા (રહે-પાંચપીપળા તા.જેતપુર જી-રાજકોટ)નો ડાબો પગ ઘુંટણ પાસેથી કપાઈ ગયેલ હતો.

તેમજ ધર્મીષ્ઠાબેન મુકેશભાઇ વાઘેલા (રહે-મોટા ભાડુકીયા, તા.જેતપુર જી. રાજકોટ)ને શરીરે ઇજાઓ થયેલ હતી અને નટુભાઈ અને ડ્રાઇવર અનીશભાઈ નુરમહમદ અંસારી (રહે-ધોરાજી જી.રાજકોટ)ને પણ શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને અકસ્માત પછી મુસાફરો અલગ અલગ થઇ ગયેલ હતા. આ અકસ્માતમા કુલ કેટલા અને ક્યા મુસાફરોને શું ઇજાઓ થયેલ છે તે ચોક્કસ મને ખબર નથી. પરંતુ મારા ખ્યાલ મુજબ આશરે ત્રીસેક જેટલા પ્રવાસીઓને ઇજાઓ થયેલ હોવાનું મારુ માનવું છે. બસ ચાલક અનિશભાઈ અંસારી સામે દાંતા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ચાર પેસેન્જરને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હોવાનું જાણવા મળે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.