— સિંચાઇના પાણી મુદ્દે જુના સુદાસણાના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનું એલાન ?? :
ગરવી તાકાત ખેરાલુ : સિંચાઇના પાણી મુદ્દે અત્યાર સુધીમાં ખેરાલુ તાલુકાના 10થી વધુ ગામો ચૂંટણી બહિષ્કારનું એલાન કરી ચૂક્યા છે. ત્યાં સતલાસણા તાલુકામાંથી પણ હવે ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠ્યો છે. રવિવારે જુના સુદાસણાના ગ્રામજનોએ પાણી નહીં તો વોટ નહીં સૂત્ર સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું હતું. આ સાથે આગામી 22મીને રવિવારે જુના સુદાસણા થી લુણવા સુધી બાઇક રેલી યોજવા નિર્ણય લીધો છે.
સિંચાઇના પાણી મુદ્દે ખેરાલુના ત્રણ ત્રણ ધારાસભ્યો છેલ્લા 25 વર્ષથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. જેમાં નર્મદાની પાઇપ લાઇન દ્વારા ચિમનાબાઇ અને વરસંગ તળાવ ભરવા કરોડો રૂપિયા ખર્ચી પાઇપ લાઇન પણ નાંખવામાં આવી છે. છતાં સિંચાઇના પાણીનો પ્રશ્ન ના ઉકેલાતાં ડાવોલ, ડાલીસણા અને વરેઠા એમ 3 ગામોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ ફતેપુરા, મંદ્રોપુર, બળાદ, સાકરી, પાન્છા, ચાણસોલ અને ડભાડ એમ વધુ 7 ગામો પણ ચૂંટણી બહિષ્કારનાં બોર્ડ લગાવી ચૂક્યાં છે.
રવિવારે જુના સુદાસણાના ગ્રામજનોએ પણ સિંચાઇના પાણી મુદ્દે પ્રતીક ઉપવાસ યોજી ચૂંટણી બહિષ્કાર કરતાં સિંચાઇના પાણીની લડાઇએ વેગ પકડ્યો છે. જુના સુદાસણા ગ્રામ પંચાયત પાસે સ્થાનિક ખેડૂતો, મહિલાઓ અને આસપાસના ગામોમાંથી ઉપસ્થિત રહેલા 200થી વધુ લોકોની હાજરીમાં પાણીની લડાઇને અંતિમ નિર્ણય સુધી લડી લેવા વ્યૂહ ઘડાયો હતો. જેમાં આગામી રવિવારે જુના સુદાસણાથી વાયા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, મંદ્રોપુર, ફતેપુરા અને પાન્છા, વિઠોડા થઇ લુણવા સુધી ખેડૂતોની બાઇક રેલી યોજવાનો નિર્ણય લેવાયો છે.