સાહેબે 2014 થી અત્યાર સુધી ગાેળીઓ આપી હવે રસી આપશે : જયરાજસિંહ પરમાર

શેર કરવા અહીં ક્લિક કરો.
દરિયાઈ ખારાશ રોકવાની મહાકાય કલ્પસર યોજના, ભાડભૂત યોજના, બુલેટ ટ્રેન, તેજસ ટ્રેન, સી-પ્લેન , ઘોઘા રો-રો ફેરી, ધોલેરા સર, ચોટીલા એરપોર્ટ , ૧૦૦ સ્માર્ટસિટી, ડિજિટલ ઇન્ડિયા, મેઈક ઈન ઇન્ડિયા, નોટબંધી, અણઘડ જીએસટી , ટાટાની નેનો કાર , વેન્ટિલેટર તરીકે ખપાવેલું ધમણ અને શ્રીહરિકોટા ખાતેનું મંગળયાનનું પ્રક્ષેપન જેવા અનેક ઉદાહરણો છે જેમા પ્રારંભે શુરા પ્રધાનમંત્રીએ નિષ્ફળતા પછી અંતે ચુપ્પી સાધી લીધી હોય- જયરાજસિંહ
——-
સાહેબ , કોરોના વેક્સીન બનાવવી તે ગટરમાંથી ગેસ પેદા કરી તેના પર ચા બનાવી લેવા જેવુ સરળ કામ નથી- જયરાજસિંહ
—–
સર્જિકલ સ્ટ્રાઈક બાદ ટેન્ક ઉપર હથીયારબંધ મોદીજીના પોસ્ટર લગાવી સરહદે સાહેબ પોતે જ લડવા ગયા હોય એવુ માર્કેટીંગ કરવા ટેવાયેલા મોદીજી હવે પ્રયોગશાળામાં હાથમાં કસનળી ( ટેસ્ટ ટ્યુબ ) સાથે જોવા મળે તો નવાઈ ના પામતા- જયરાજસિંહ
સર્જિકલ સ્ટ્રાઈક બાદ ટેન્ક ઉપર હથીયારબંધ મોદીજીના પોસ્ટર લગાવી સરહદે સાહેબ પોતે જ લડવા ગયા હોય એવુ માર્કેટીંગ કરવા ટેવાયેલી ભાજપા કોરોનાની રસી શોધવાનો જશ પણ મોદીજીને આપવા પૂર્વભુમિકા તૈયાર કરી રહી છે. ભાજપ દ્વારા ” ભેંસ ભાગોળે ને છાશ છાગોળે અને ઘેર ધમાધમ ” જેવી ઉતાવળ કરવાના અગાઉ પણ અનેક દાખલા છે જેના લીધે મોદી સાહેબ હાંસીપાત્ર બન્યા હોય, તેમ છતાં ભાજપ અનુભવે શીખ્યુ નથી. કદાચ જશ ખાટી જવાની લાલસા આમ કરવા મજબૂર કરતી હશે.
કોરોનાની વેક્સીન પર વૈશ્વિક સ્તરે દુનિયાના તમામ દેશોના વૈજ્ઞાનિકો સંશોધનાત્મક કાર્ય કરી રહ્યા છે તેવી જ રીતે ભારતમાં પણ સંશોધનકર્તાઓ અને ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. સંશોધન એ ગંભીર , સમય માંગી લે તેવો અને ધૈર્યનો વિષય છે. અસરકારક કોરોના વેક્સીન બનાવવી તે ગટરમાંથી ગેસ પેદા કરી તેના પર ચા બનાવી લેવા જેવુ સરળ કામ નથી.
અનેક પ્રયાસો અને પ્રયોગો બાદ રસ્તામાં નિષ્ફળતાઓ પણ હાથ લાગે પરંતુ અસફળતાઓથી શીખીને સતત ચાલતી આ વૈજ્ઞાનિક પ્રક્રીયા દેશ અને દુનિયા માટે સહાયક પરિણામ મેળવતી હોય છે. જ્યારે ભારતીય સંશોધકો ” ટ્રાયલ એન્ડ એરર ” ના તબક્કામાં આ રસી પર કામ કરી રહ્યા હોય છે અને ખુદ વૈજ્ઞાનિકોને તેના ડોઝ , અસરો અને આડઅસરો વિશે આશંકાઓ હોય, સમય અવધિ નિશ્ચિત ના હોય, રસી અપાયા બાદ ની અસરકારતા ચકાસવા ધૈર્યની અપેક્ષા હોય તેવા સમયે અધવચ્ચે લેબોરેટરીની મુલાકાત લઈ મોદીજી શું સાબિત કરવા માગે છે ?
મોદી સાહેબને વેક્સીનની રોગ પર અસર કરતા વેક્સીન બાદની રાજકીય અસરોમાં વધુ રસ છે. નિષ્ફળતાઓનો ટોપલો સંશોધકો પર અને સફળતાઓનું છોગુ પોતાના શીરે બાધવા ટેવાયેલા મોદીજીની આ આત્મશ્લાઘા માત્ર છે. જો રસી અસરકારક નીકળે તો નરેન્દ્રભાઈ એવુ પણ કહી શકે કે અમુક રસાયણની માત્રા વધારવા કે ઘટાડવાનુ મેં સુચન કર્યુ હતુ જે વૈજ્ઞાનિકો એ સ્વીકાર્યુ તેનુ આ પરિણામ છે. એનાથી ઉલ્ટુ જો નિષ્ફળ જાય તો મૌનમ્ શરણંમ્ ગચ્છામી. બુલેટ ટ્રેન, તેજસ ટ્રેન, સી પ્લેન , ઘોઘા રો રો ફેરી, ધોલેરાસર, ચોટીલા એરપોર્ટ , નોટબંધી, અણઘડ જીએસટી જેવા અનેક ઉદાહરણો છે જેમા પ્રારંભે શુરા પ્રધાનમંત્રીએ નિષ્ફળતા પછી અંતે ચુપ્પી સાધી લીધી હોય. રંગેચંગે ટાટાની ” નેનો કાર ” ને પોંખ્યા બાદ તેનુ બાળમરણ આપણે જોયુ છે. ધમણને દેશી વેન્ટીલેટર તરીકે માથે ઉચકી નાચ્યા બાદ મુર્ખ બન્યાનો દાખલો આપણી નજર સામે છે. મંગળયાન વખતે સાધુઓ, જ્યોતિષ, આધ્યાત્મિક ગુરૂઓ સાથે છેક હરિકોટાના સ્પેસ સેન્ટર અને લોન્ચિંગ પેડ પર વૈજ્ઞાનિકો સાથે પહોચી જઈ ઉતાવળે શ્રીફળ વધેર્યા બાદની સ્થિતિ આપણે જોઈ છે.
ખુબજ નાજુક પરિસ્થિતિમાં અસહ્ય દબાવ વચ્ચે જ્યારે વૈજ્ઞાનિકો કાર્ય કરતા હોય ત્યારે વડાપ્રધાને બીનજરૂરી હાજરી અને હસ્તક્ષેપથી વધુ દબાણ ઉભુ નહી કરવુ જોઈએ. લદાખમાં લશ્કરી યુનિફોર્મ પહેરી ફોટોસેશન કરાવવા જેવી આછકલાઈ ફીલ્ડમાં કામ કરી રહેલા ધૂની અને ઓલિયા વૈજ્ઞાનિકો કે જેઓ કોઈનાથી પણ અંજાતા નથી તેઓ પર શું અસર કરે તે વિચારવુ જોઈએ. કોઈ ફાર્મા કંપનીનું માર્કેટીંગ જ ઉદેશ હોય તો વાત અલગ છે બાકી આ મુલાકાત અર્થહીન અને કસમયની છે અને સમગ્ર કોરોનાકાળ દરમ્યાન ટેસ્ટિંગમાં, હોસ્પિટમાં જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં, નિઃશુલ્ક માસ્ક વિતરણમાં, પીપીઈ કીટ જરૂર હતી ત્યારે પુરી પાડવામાં, વેન્ટિલેટર્સની જરૂર હોય ત્યારે સગવડ પુરી પાડવામાં, દર્દીઓને સરકારી તબીબી સેવા ઉપલબ્ધ કરાવવામાં, લોકડાઉન દરમ્યાન પરપ્રાંતીઓને સમયસર વતનના ગૃહ રાજ્યમાં સરકારી સહાયથી પહોંચાડવામાં કે પછી સંગઠીત કે બિનસંગઠીત ક્ષેત્રના મજૂરોને પૂરતું બે ટંકનું ભોજન કરાવવામાં, પોતાનાજ પક્ષના નેતાઓને સોસીયલ ડિસ્ટન્સીંગના પાઠ ભણાવવામાં કે પ્રચાર અને રેલીઓ યોજી કોરોના ફેલાવતા રોકી શકવામાં અને છેલ્લે ” વીક એન્ડ કર્ફયુ ” ની અસમંજસતામાં સમયસર સાચા વહીવટી નિર્ણયો કરવામાં તમામ મોરચે નિષ્ફળ ગયા છે એ નિષ્ફળતા ઢાંકવા હવે રસીકરણના સહારે ધોવાઈ ગયેલી આબરૂ પાછી મેળવવાના પ્રયાસો શરુ કર્યા છે.
ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ અનેક મહારોગોની રસીઓની શોધોમાં ક્યારેય આવા નાટકો કર્યા નથી અને વૈજ્ઞાનિકોનો લોહી પરસેવાની મહેનતનો જશ પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો નથી. આવા તાયફાઓમાં પ્રજાના પરસેવાના નાણાં વેડફી નાખ્યા હોત તો આ દેશ ચપ્પણિયું લઇને મોંગોલિયાની જેમ ભીખ માંગતો હોત અને રોટલાના એક એક ટુકડાનો મોહતાજ હોત.
મોદી સાહેબે બતકથી ઓક્સીજન ઉત્પાદીત કરવાના સંશોધક ભાજપના વિપ્લવદેવ, ભાભીજીના પાપડથી કોરોનાના ઇલાજના શોધક મંત્રી અર્જુનરામ મેઘવાલ, શંખ ફૂંકાવાથી કોરોના નષ્ટ થઇ જાય છે એવું સંશોધન કરનાર સરકારના એક મંત્રી મહોદય કે શ્રાપ આપવાથી કેન્સર થાય છે એવું પ્રસ્થાપિત કરનાર ધાર્મિક વૈજ્ઞાનિક સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કે ભૂવાઓના આશ્રિત ભુપેન્દ્રસિંહજી અને આત્મારામ પરમારને પોતાની સાથે રાખ્યા હોત તો ઠીક હતુ કારણકે સંશોધનકર્તાઓને માર્ગદર્શન આપી શકે. નર મોરના આંખથી માદા ઢેલ ને સગર્ભા થતી હોવાનું પ્રમાણીત કરનારા જજ સાહેબને સાથે રાખ્યા હોત તો વૈજ્ઞાનિકોની આંખો જોઈ વેક્સીનની સુવાવડ કે કસુવાવડની આગાહી મળી શકત. ગટરમાં ગેસની પાઈપ નાખી ચા બનાવનારા એ આમ આદમી ને લઈ ગયા હોત તો સહાયક બની શકત. ગાયની પીઠ પર હાથ ફેરવી કેન્સર મટાડનાર સાધ્વી પ્રજ્ઞા પણ આ પ્રતિનિધીમંડળમાં જોડાઈ હોત તો ગાયના દૂધની કેટલી માત્રા આ વેકસીનના રસાયપણ સાથે મેળવવી તે સમજાવી શકત. વૈજ્ઞાનિકોને માર્ગદર્શન કરી શકે એવી આ ફોજ ઉપરાંત બાબા રામદેવ જેવા ” સબ રોગ કા ઈલાજ કપાલભાતી ” ને પણ મોદી સાહેબ પોતાની વેક્સીન મંડળીમાં સામેલ કરવા જોઈતા હતા. જો મોહન ભાગવતજીને સાથે રાખતા તો રસીના ભગવા કલર માટે વૈજ્ઞાનિકોને આગ્રહ કરી વૈશ્વિક સ્તરે
” હિંદુ રસીત્વ ” નો ઝંડો લહેરાવી શકત. કમ સે કમ વાદળ હોય ત્યારે રડાર વિમાન ના પકડી શકે તેવુ અધુરૂ આત્મજ્ઞાન મોદીજી જબરજસ્તી ના પીરસે તો સારૂ.
ખેર, આ મહામારી વ્યંગનો વિષય નથી. વૈજ્ઞાનિકોના પરિશ્રમ પ્રત્યે આશાઓનો વિષય છે. વડાપ્રધાને આ બાબતે ગંભીરતા દાખવી સંશોધનકર્તાઓને પુરતો સમય આપવો જોઇએ, રાજકીય લાભ માટે પરોક્ષ દબાણ ઉભુ ના કરવુ જોઈએ.
કોંગ્રેસે દેશને આ પહેલા પણ ક્ષય , પોલીયો, ઓરી, અછબડા, બીસીજી, ધનૂર ( ટીટેનસ ) અને શીતળા જેવી અનેક બીમારીઓથી મુક્ત થયો જ છે અને મહારોગોને દેશવટો આપ્યો જ છે પણ કોઈ વડાપ્રધાને આવી સ્વયં પ્રચારની ઘેલછા નથી બતાવી. અરે મોદીજીના ખુદના ડાબા હાથે તપાસ કરો તો શીતળાની રસીના ચાઠા હશે જ. જે કોંગ્રેસ સરકારે મફત આપેલી શીતળાની રસીની નિશાની છે. અને હવે અમે રસી મફત આપીશું તેવી છેતરામણી જાહેરાતો થાય છે. મોદીજીના સમયમાં ” પે એન્ડ યુઝ ” નામે સ્કીમ કરી જાહેર શૌચાલયોમાં પૈસા ઉઘરાવાય છે ત્યાં મત ની લાલસામાં મફત રસીની લોલીપોપ હાલ તો અપાઈ છે. અને મજાની વાત એ છે કે શાહબુદ્દીન રાઠોડના ” વનેચંદનો વરઘોડો ” માં કહ્યું છે ને કે ગામમાં લગન કોઈના પણ હોય ઢોલી આગળ નાચવાવાળા એના એ જ હોય છે અને એજ લોકો બધાના વરઘોડામાં જોવા મળે એવું ભાજપના ” ચિયર્સ લીડર્સ ” નું થયું છે.
વડાપ્રધાનશ્રીને વિનંતી છે કે રસી ને બરાબર પરિપક્વ રીતે તૈયાર થવા દેજો.  પ્રચારની ઘેલછામાં ઉતાવળા ના થતા નહીંતર દેશની પ્રજાના લમણામાં વેન્ટિલેટર્સના બદલે ધમણ આવ્યું એવું રસીમાં ના થાય અને મારા વ્હાલા દેશવાસીઓ જલ્દી ” રસીયુક્ત બની કોરોનમુક્ત ભારત ” થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના..

(અસ્વીકરણ:આ આર્ટીકલ જયરાજસીંહ પરમારના ફેસબુક ટાઈમલાઈન ઉપરથી લેવામાં આવ્યો છે જે તેમને 29 નવેમ્બર 2020 ના રોજ પોસ્ટ કરેલ હતો. જેથી આ લેખમાં વ્યક્ત કરેલા મંતવ્યો લેખકના વ્યક્તિગત વિચારો છે. આ લેખમાં પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ, સંપૂર્ણતા, વ્યવહારિકતા અથવા સત્યતા માટે ગરવી તાકાત જવાબદાર નથી. આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલી કોઈપણ માહિતી અથવા તથ્યો અથવા મંતવ્યો ગરવી તાકાત  કોઈપણ રીતે તેના માટે જવાબદાર નથી.)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.