ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૦૬)

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની દૂધમંડળીઓ અને પશુપાલકો દ્રારા ચાલતા સાબરદૂધ સંઘના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. 150થી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રીયા દરમ્યાન કૌભાંડ થતુ હોવાની રજૂઆત બાદ તપાસ ચાલી રહી છે. જેમાં ભરતી કૌભાંડની વાતચીત કરતો ઓડીયો સામે આવતા પશુપાલકો માટે ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. સાબરડેરીના એમડી બાબુ પટેલ અને જીલ્લા સદસ્ય કીર્તિ પટેલ વચ્ચે ભરતી કૌભાંડની ટેલિફોનિક વાતચીત બહાર આવી છે.

અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને સાબર ડેરીના એમડી બાબુ પટેલ ભરતી કૌભાંડ મામલે ફોનમાં વાતચીત કરી હતી. જેમાં કીર્તિ પટેલની કૌભાંડ મામલે રજૂઆત હોઇ ચર્ચા દરમ્યાન એમડી મોટો ઘટસ્ફોટ કરે છે. જેમાં 170 કર્મચારીની ભરતીમાં સરેરાશ 150થી વધુ ઉમેદવારો પાસેથી મોટી રકમ લેવાયાની વાત થઇ રહી છે. જેમાં એક ઉમેદવાર પાસેથી 20થી 25 લાખ લેવાયાની વાત સામે આવતા એમડી દુ:ખી હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે પૈસાથી ભરતી થતી હોવાનુ સમજી ઉમેદવારો પણ મજબૂર હોવાનુ એમડી જણાવી રહ્યા છે.

વાતચીતમાં યુવાનો માટેની દયનિય સ્થિતિનો ચિતાર
એમડી અને કીર્તિ પટેલની વાતચીતમાં પૈસાના જોરે ભરતી થતી હોવાની વાત સૌથી મોટી છે. જોકે એમડી બાબુ પટેલ વાતચીત દરમ્યાન યુવાનોની પરિસ્થિતિ અંગે ચોંકાવનારી વાત જણાવી રહ્યા છે. યુવાન ઉમેદવારો લગ્ન ન થતાં હોવાથી જમીન વેચી કે અન્ય કોઇ રીતે 20થી 25 લાખની સગવડ કરીને નોકરી મેળવવા મજબૂર છે. આ વાત ખુદ એમડી કીર્તિ પટેલને જણાવતા હોઇ ભરતી કૌભાંડમાં પરોક્ષ રીતે ખાતરી થતી હોવાનુ સામે આવ્યુ છે.

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

Contribute Your Support by Sharing this News: